સુરત: જિલ્લામાં નશાના સોદાગરો બેફામ બન્યા છે, અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ,ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે આવા જ વધુ એક નશાના કારોબારનો સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે.
પોલીસે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ: પોલીસે મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.08 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આખી ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઈબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનું અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી. ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો.
પોલીસે કડક પૂછપરછ કરતા આપી માહિતી: પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઈલશા ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી 71,29,500 ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
ઓરિસ્સાથી કન્ટેનર મારફતે ગાંજો લાવ્યા: ઝડપાયેલા આરોપીઓ ઓરિસ્સાના ગંજામ ખાતેથી કન્ટેનર મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હતા. ગાંજાનો જથ્થો અલગ અલગ પેડલરોને આપતા હતા અને તેનું છૂટક વેચાણ કરતા હતા.આમ નશાનો કારોબાર કરી આરોપીઓ યુવા ધનને બરબાદ કરતાં હતાં. ઓલપાડ પોલીને મળેલી બાતમીને આધારે સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે અને ઓલપાડ પોલીસે મોટી સફળતા હાસલ કરી છે.
પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી: આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 74,08,350 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો સલીમ ઈસ્માઈલ શા ફકીર ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશના ગુનામાં પકડાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ જાણો: