ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલ ડભોડા ગામના હનુમાનજી મંદિરે દર મંગળ અને શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ત્યારે આ વખતે હનુમાન જયંતિ મંગળવારે હોવાને કારણે ભક્તોનું મહેરામણ દાદાના દર્શન કરવા ઉમટી પડે છે. ચૌત્ર સુદ પૂનમ મંગળવારના રોજ સવારે પાંચ વાગ્યે હનુમાન દાદાનો પરંપરાગત મારૂતિ યજ્ઞ પ્રારંભ થયો છે. જ્યારે 8:30 કલાકે ડભોડિયા હનુમાન દાદા પર 1111 ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવ્યો.
મારુતિનંદનની ભવ્ય શોભાયાત્રા : હનુમાન જયંતી નિમિત્તે સવારે 9:30 કલાકે ગામમાં મારુતિનંદન હનુમાનજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ સવારે 11:45 કલાકે ધજા ચઢાવવામાં આવશે, જ્યારે બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અહીં ચાર હજારથી વધુ ભક્તો દર્શનાર્થે આવવાની સંભાવના છે. જેના પગલે ટ્રસ્ટ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા પણ ખાસ આયોજન તથા વ્યવસ્થા કરવામાં આવી છે.
હનુમાન ભક્તો માટે ખાસ વ્યવસ્થા : હનુમાન મંદિર જવાના રસ્તા પર ભક્તોને ગરમી ન લાગે તે માટે પાણીના ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરને લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરમાં સેંકડો કિલો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજીના બર્થડે કેકનો ઓર્ડર આપવા સહિત મારૂતિ યજ્ઞ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન તથા મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ મંદિરમાં યોજાશે.
મંગળવાર અને પૂનમનો શુભ યોગ : ડભોડિયા હનુમાન મંદિરના પૂજારી શેખર જોશીએ જણાવ્યું કે, ચૈત્ર સુદ પૂનમને મંગળવારે હનુમાનજીનો જન્મદિવસ છે. આ વખતે પૂનમ અને મંગળવારનો શુભ યોગ થયો છે. મંગળવાર હનુમાનજીનો વાર છે. હનુમાનજીને તેલ ચડાવવાથી અને હનુમાન ચાલીસા કરવાથી વિઘ્નો દૂર થાય છે.
1111 ડબ્બા તેલનો અભિષેક : હનુમાન ભક્ત નંદુ ઠાકોરે જણાવ્યું કે, હું દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે દર્શન કરવા આવું છું. 1111 તેલના ડબ્બા ચડાવવાના છે. હનુમાન જયંતિ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.