વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ અનેક વખત વિવાદોના વમળમાં ફસાયેલી રહે છે. આ હોસ્પિટલમાં અન્ય રાજ્યમાંથી પણ સારવાર લેવા માટે દર્દીઓ આવતા હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક વહીવટી તંત્રના અભાવના કારણે આ વિવાદો સર્જાતા હોય તેવું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ: ગત રોજ સાયજી હોસ્પિટલ ખાતે ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઇવર તાત્કાલિક સારવાર વિભાગની ઉપર આવેલા વોર્ડમાં દર્દીને ટાંકા લઈ રહ્યો હતો. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે તપાસના આદેશો આપ્યા છે અને મેડિકલ સ્ટાફને પણ સૂચનો આપ્યા હતા.
ડ્રાઇવર રેસીડેન્ટ ડોક્ટરનો આસિસ્ટન્ટ: સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં કોઈક રેસીડેન્સ ડોક્ટરના આસિસ્ટન્ટ તરીકે આ વ્યક્તિ કામ કરતો હોય તેવી માહિતી મળી છે. સુપ્રીન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં અમે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરીશું. સારવારમાં નિષ્કાળજી દાખલનાર વિભાગીય વડા અને નર્સિંગ સ્ટાફને નોટિસ ફટકારવામાં આવી છે.
બહારના નિષ્ણાતોની સલાહ: રાજ્ય સરકાર દર્દીઓને નિષ્ણાત અને તજજ્ઞ ડોક્ટરોની સારવાર મળી રહે તે માટે બહારથી પણ તબીબોની સેવા લેવાનું જણાવી રહી છે. સુપર સ્પેશિયાલિટી જેવા કે, કેન્સર અને નિરોવા માટે બહારના તબીબો સેવા આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ ડોક્ટર નહીં પરંતુ એક જ ખાનગી ડ્રાઇવર દર્દીના સ્વાસ્થ્ય સાથે રમત રમતો હોય તેવા દ્રશ્યો નજરે આવતા જવાબદાર વ્યક્તિઓની બેદરકારી બહાર આવી છે. સયાજી હોસ્પિટલના સતાધીશોના જણાવ્યા મુજબ, અમે આ સંબંધમાં યોગ્ય તપાસના કરી જવાબદાર વ્યક્તિઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુ છે.
હોસ્પિટલમાં ડ્રાઇવરનું મહેકમ ઓછું: મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં જાણવા મળતી માહિતી મુજબ ડ્રાઇવરનું મહેકમ તેમજ બીજા અન્ય ડિપાર્ટમેન્ટોમાં પણ મહેકમ ઓછું હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલમાં ડ્રાઈવરની અછતના કારણે ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડે છે. હોસ્પિટલ સત્તાધિશોએ જણાવ્યા મુજબ, હોસ્પિટલ પાસે 2 ICU અને અન્ય એમ્બ્યુલન્સ મળી 8 એમ્બ્યુલન્સ છે. જ્યારે 9 ડ્રાઇવર છે. ડ્યુટી મુજબ ડ્રાઇવરની પણ અછત સર્જાય છે. તેમજ શહેર બહાર દર્દીને મૂકવા જવાની પણ મંજૂરી નથી. આવા બધા બનાવોના કારણે વારંવાર સયાજી હોસ્પિટલ વિવાદોના વમળમાં જ રહે છે. વારંવાર વહીવટી તંત્રની પણ ઘોર બેદરકારી જોવા મળતી હોય છે.