જુનાગઢ: કોડીનાર નજીક વેળવા ગામ પાસે શરૂ થયેલા ટોલ બુથને લઈને વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ કોડીનારથી ઉના તરફ જવાના માર્ગ પર 12 કિલોમીટર કરતાં વધારે માર્ગનું કામ ચાલુ છે. બંને તરફ સર્વિસ રોડની પણ હજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
આ પરિસ્થિતિમાં તહેવારોને ધ્યાને રાખીને સોમનાથથી દીવ તરફ જતા માર્ગમાં કોડીનાર નજીક વેળવા ગામ પાસે ટોલબુથ શરૂ થયું છે. જેના મોટા ભાવોને લઈને પણ વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વેળવા ગામ નજીક વધુ એક ટોલબુથ કાર્યરત: જુનાગઢથી સોમનાથ અને દીવ પર્યટન કોરીડોરમાં વધુ એક ટોલ બુથ અસ્તિત્વમાં આવ્યું છે. કોડીનાર નજીક વેળવા ગામ પાસે રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ ઓથોરિટી દ્વારા ટોલ બુથ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તહેવારોના સમયને ધ્યાને રાખીને ખૂબ જ ઉતાવળે સોમનાથથી દીવ તરફ જતા કોડીનાર નજીક ટોલ બુથ શરૂ થતા જ વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
કોડીનારથી દીવ જતા 5 જગ્યાએ ડાયવર્ઝન: કોડીનારથી ઉના તરફ 12 km ના માર્ગનું હજી કોઈ ઠેકાણું નથી. તેમજ બંને તરફ સર્વિસ રોડને લઈને પણ કોઈ કામ થયું નથી. કોડીનારથી દીવ તરફ જતા માર્ગ પર 5 જગ્યાએ ડાયવર્ઝન ઊભો કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં તહેવારોને ધ્યાને રાખીને પર્યટન કોરિડોરમાં પૈસા કમાવાની લાલચમાં રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ ઓથોરિટી દ્વારા ટોલ બુથ કરવામાં આવ્યું છે. જેનો વિરોધ અહીંથી પસાર થતા વાહન ચાલકો કરી રહ્યા છે.
જુનાગઢથી દીવ પહોંચતા 4 ટોલ બુથનો સમાવેશ: પર્યટન કોરીડોર એવા જુનાગઢથી દીવની વચ્ચે 4 ટૂલ બુથ અસ્તિત્વમાં આવવાના છે. જેમાં વંથલી નજીક ગાદોઇ અને ચાંડુવાવ પાસે 2 ટોલ બુથ પાછલા પાંચેક વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. ભાવનગર, સોમનાથ અને પોરબંદર વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રાચી નજીક નવું ટોલ બુથ આગામી દિવસોમાં શરૂ થઈ જશે અને કોડીનાર નજીક વેળવા ગામ પાસે ટોલ બુથ શરૂ થઈ ગયું છે. આમ પર્યટન કોરિડોરમાં જુનાગઢથી દીવ જવા માટે 4 ટોલ બુથ અને દીવથી સાસણ આવવા માટે 2 ટોલ બુથમાંથી પ્રત્યેક વાહન ચાલકોને પસાર થવું પડશે. ત્યારે તહેવારોના સમયમાં રોડનું કામ હજુ પણ બાકી હોવા છતાં પણ ટોલ બુથ શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વેળવા ટોલ બુથના દર: નવા અસ્તિત્વમાં આવેલા કોડીનાર નજીકના વેળવા ટોલ દર પર એક નજર કરીએ તો કાર સહિત નાના વાહનો માટે એક તરફના 70 રૂપિયા, મોટા વાહનોના 110 રુપિયા, બસ અને ટ્રકના એક વખત પસાર થવાના 335 રુપિયા, 3 એક્સેલ વ્યાપારિક વાહનોના એક તરફ પસાર થવાના 255 રૂપિયા હેવી મશીનરીનું વહન કરતાં વાહનોમાં એક તરફ જવા માટેના 365 રૂપિયા અને 7 એક્સેલ કરતા વધુ કેપેસિટી ધરાવતા મોટા વાહનોના કોડીનારથી દીવ તરફ પસાર થવા માટે 445 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: