જૂનાગઢ: 15 મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં માછીમારીની નવી સિઝન શરૂ થઈ રહી છે અને તેમના સમગ્ર પરિવારમાં ભારે ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ પાછલા વર્ષો દરમિયાન માછીમારોને પડતી અનેક મુશ્કેલીઓને કારણે માછીમારની સાથે માછીમાર પરિવારનું ચિત્ર પણ દીવાતળે અંધારા સમાન જોવા મળી રહ્યું છે. પાછલા વર્ષો દરમિયાન માછીમાર ઉધોગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે નવી સિઝન માછીમારો માટે મુશ્કેલી વગર શરૂ થાય તેવું પ્રત્યેક માછીમાર અને તેનો પરિવાર ઇચ્છતો હોય છે. પરંતુ આ પ્રકારની માછીમારીની નવી સિઝન શરૂ થાય તેવું ધૂંધળું ચિત્ર જોવા મળે છે.
![15 મી ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2024/gj-jnd-02-fishermen-byte-03-pkg-7200745_09082024143659_0908f_1723194419_357.jpg)
માછીમારોની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન કથળી: માછીમારોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી જોવા મળે છે. પાછલા વર્ષો દરમિયાન માછીમારીની સિઝનમાં નુકસાની જતા બોટના માલિકો અને માછીમારો દ્વારા તેમના ઘર અને સોનાને ગીરવે મૂકીને પાછલા વર્ષો દરમિયાન માછીમારીની નવી સિઝન શરૂ કરી હતી. આ વર્ષે માછીમારો પાસે ગીરવે મૂકવા સમાન રોકડ રકમ પણ માછીમારી ઉદ્યોગ પાછળ લગાવી દીધી છે. માછીમારોની મિલકતમાં તેમનું ઘર, સોના અને રોકડની સાથે બોટનું લાઇસન્સ હોય છે. પાછલા વર્ષોમાં જે રીતે નુકસાન થયું છે તેને ભરપાઈ કરવા માટે માછીમારોના ઘર, સોનુ અને રોકડ બેંકો કે ફાઇનાન્સ કંપનીઓમાં આજે ગીરવે મુકાય ચૂકી છે. તેમ છતાં માછીમાર આજે મરણિયો મરજીવો બનીને પોતાના ઉદ્યોગને ટકાવી રાખવા માટે જાણે કે અંતિમ વખત દરિયાની સફરે જઈ રહ્યો હોય તેવો માહોલ પણ બની રહ્યો છે.
![15 મી ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2024/gj-jnd-02-fishermen-byte-03-pkg-7200745_09082024143659_0908f_1723194419_815.jpg)
ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી પરત આપવાની માંગ: કોરોના પૂર્વે માછીમારીની સિઝન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ મહત્વ ધરાવતી હતી. કોરોના સમય બાદ અન્ય ઉદ્યોગો આજે ધીમે ધીમે સ્થિર થયા છે. પરંતુ એક માત્ર માછીમાર ઉધોગ સતત નબળો પડી રહ્યો છે જેને કારણે લાખો માછીમારો આજે અસરગ્રસ્ત બન્યા છે. કોરોના સમય પહેલા 60 રૂપિયા મળતું ડીઝલ આજે 100 રુપિયા સુધી પહોંચી ગયું છે. જે માછીમાર ઉદ્યોગની કમર તોડવા બરોબર માનવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોર્ટ થતી માછલીના ભાવ મળતા નથી.
વધુમાં માછીમારી દરમ્યાન દરિયામાં માછલીની ગુણવત્તા અને સંખ્યા પણ સતત ઘટતી જાય છે જેને કારણે માછીમારી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા માછીમારો આજે મરણ પથારીએ પહોંચતા જોવા મળે છે. ડીઝલમાં મળતી એક્સાઇઝ ડ્યુટી માફ કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કેન્દ્ર કે રાજ્ય સરકારે ડીઝલ પર મળતી એક્સાઇઝ ડ્યુટી માફ કરવાને લઈને કોઈ નિર્ણય કર્યો નથી જે માછીમારી ઉદ્યોગની કમર ભાગવા માટે કારણભૂત માનવામાં આવે છે.
![15 મી ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2024/gj-jnd-02-fishermen-byte-03-pkg-7200745_09082024143659_0908f_1723194419_46.jpg)
સિઝન વિલંબથી શરૂ થતા થશે નુકસાની: ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં માછીમારીની સિઝન પહેલી ઓગસ્ટથી શરૂ થાય છે. ગુજરાતમાં હજુ પણ 15મી ઓગસ્ટે નવી સિઝન શરૂ થશે. ત્યારે અન્ય રાજ્યોમાં શરૂ થયેલી માછીમારીની સિઝનને કારણે ગુજરાતના માછીમારોને 15 દિવસ બાદ દરિયાઈ સફળ ખેડવાનો મોકો મળશે. જેને કારણે પંદર દિવસ પૂર્વે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોના માછીમારો બોટ લઈને માછીમારી માટે નીકળી ચૂક્યા છે. જે નવી સિઝનનો પહેલો માલ દરિયામાંથી એકઠો કરી શકે છે. જેને કારણે પણ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગુજરાતના માછીમારો માટે સિઝનના પહેલા દિવસે માછલીઓ મળવી પણ ખૂબ મુશ્કેલ બની જશે. તેની ચિંતા પણ હવે દરીયાઈ ખેડૂઓને સતાવી રહી છે.