નવસારી : ઉગત ગામે આવેલા વરદાન ફાર્મ હાઉસમાં સફાઈ માટે રાખેલા મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ આરોપીને શોધે એ પૂર્વે જ આરોપી પુરુષે તેમના વતનમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા હત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
હત્યાનો ચકચારી બનાવ : આ અંગે પોલીસે આપેલી માહિતી અનુસાર નવસારીના સુપા ગામે રહેતી 35 વર્ષીય મહિલાનો પતિ મૃત્યુ પામ્યા બાદ મૂળ આણંદના વડોદ ગામે રહેતા ગણપત પરમાર સાથે લિવ ઇન રિલેશનશિપમાં પત્ની તરીકે રહેવા લાગી હતી. બંને ગામડાના ફાર્મ હાઉસમાં રહી સાફ સફાઈનું કામ કરતા હતા. ગત અઠવાડિયામાં ઉગત ગામે આવેલા વરદાન ફાર્મ હાઉસમાં કપલને ઘાસ કાપવા માટે બોલાવવામાં આવ્યા હતા. બંને ફાર્મ હાઉસમાં જ રહીને સફાઈ કરતા હતા.
પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી : દરમિયાન ગત શનિવારે રાત્રે બંને વચ્ચે કોઈક વાતે ઝઘડો થયા બાદ ગણપતે આવેશમાં આવી મહિલા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં તેને ઉપરાછાપરી અનેક ઘા માર્યા હતા, ત્રણ પ્રાણઘાતક ઘા મારી દેતા મહિલાનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. હત્યા બાદ ગણપતે મૃતદેહને ઘસડીને ફાર્મ હાઉસના બાથરૂમમાં મૂકી દીધો હતો. પોતે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ફાર્મ હાઉસમાં મળ્યો મૃતદેહ : ગત રોજ વોચમેન ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો, તો ઘરનો દરવાજો ન ખુલતા તેણે આસપાસ ગણપતની શોધખોળ કરી હતી. બાદમાં બાજુના ફાર્મ હાઉસમાંથી ચાવી લાવી ફાર્મ હાઉસ ખોલતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે ફાર્મ હાઉસનો હોલ લોહીથી ખરડાયેલો હતો અને મહિલાનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો. જેથી વોચમેને ફાર્મ હાઉસના માલિક પ્રકાશ વરદાનને જાણ કરતા તેઓ પણ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા.
પોલીસ તપાસ : નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ આરંભી હતી. પોલીસે ફાર્મ હાઉસની નજીકના CCTV ફૂટેજ તપાસતા શનિવારે રાત્રે અને રવિવારના સવારના ગણપત આવતા-જતા જણાયો હતો. જેથી ગણપતના વતનની માહિતી મેળવી પોલીસે તપાસ કરાવી હતી. પરંતુ ગણપત તેના ઘરે પહોંચ્યો ન હતો.
કેસમાં આવ્યો વળાંક : દરમિયાન ગત રોજ સાંજે વડોદમાં જ અવાવરૂ જગ્યાએથી ગણપતનો ઝાડ સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી ગણપતે મહિલાને કેમ મારી નાખી એ કારણ પરથી પડદો ઉચકાયો નથી. જોકે પ્રેમ સંબંધમાં પતિ-પત્ની તરીકે રહેતા કપલે આંતરિક ઝઘડામાં જીવ ગુમાવતા પ્રેમનો કરૂણ અંજામ આવ્યો હતો.
ઝઘડાનો કરૂણ અંજામ : પોલીસની પ્રાથમિક તપાસમાં ગણપતે થોડા દિવસો અગાઉ જ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતુ. જેથી તેને આંખે ત્રણથી ચાર ફૂટ અંતર પર જ દેખાતું હશેનું ડોક્ટરે અનુમાન આપ્યું હતું. જેથી બંને વચ્ચે ઘણો સંઘર્ષ થયો હોવાનું અનુમાન છે. મૃતદેહ પર ઘણા ઘાવ હતા, પરંતુ ત્રણ ઘાવ ઊંડા હોવાથી તેનું મૃત્યુ થયું હતું. જોકે ગણપતે પણ આત્મહત્યા કરી લેતા હત્યાનું કારણ જાણી શકાયું નથી. તેમ છતાં પોલીસે તપાસને વેગ આપ્યો છે.