નવસારી : એક વર્ષ અગાઉ નવસારીમાંથી પિસ્તોલ અને દેશી કટ્ટા પકડાવાના પ્રકરણના આરોપીને નવસારીની વોન્ટેડ એકસ્યુસ્ડ સેલે દબોચ્યો છે. બાતમીને આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી ઉતવાલી ખાતેથી આરોપીને ધરપકડ કરી હતી. પિસ્તોલ અને દેશી કટ્ટા વેચવામાં માહિર આરોપી સામે સુરત જિલ્લામાં પણ 13 ગુના નોંધાઈ ચુક્યા છે.
દેશી કટ્ટાનો કારોબાર : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશથી દેશી કટ્ટા અને પિસ્તોલનું છેલ્લા લાંબા સમયથી વેચાણ વધ્યુ છે. ખાસ કરીને કડિયા કામ કરવા આવતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અલગ અલગ ગામડાના મજુર યુવાનો મધ્યપ્રદેશથી હથિયાર લાવી અહીં થોડા હજાર રૂપિયામાં વેચી દેતા હોય છે.
મધ્યપ્રદેશનો વોન્ટેડ આરોપી : જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર બડી ઉતાવલીનો 26 વર્ષીય ત્રિકમ ભેરા તોમર દેશી કટ્ટા અને પિસ્તોલ નવસારી અને સુરતમાં આવીને વેચવાનો માસ્ટર માઈન્ડ બન્યો હતો. એક વર્ષ અગાઉ આરોપીએ નવસારીના બે લોકોને હથિયાર વેચ્યા હતા. જેમાં બંને આરોપીઓને નવસારી SOG પોલીસે પકડી પડ્યા હતા, ત્રિકમ તોમર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી : હાલમાં જ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને વોન્ટેડ આરોપીઓને પકડવા જિલ્લા પોલીસ દ્વારા બનાવવામાં આવેલ વોન્ટેડ એકસ્યુસ્ડ સેલ દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં બાતમી મળી હતી કે આરોપી ત્રિકમ તેના ગામમાં જ છે. જેથી SOG ના PSI સહિત 4 પોલીસકર્મીઓની ટીમ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી ઉતાવલી ગામે પહોંચ્યા હતા.
આરોપી સામે 13 ગુના : નવસારી પોલીસ આરોપી ત્રિકમ તોમરને દબોચી નવસારી લઈ આવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જ હથિયાર આપ્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી હથિયાર વેચવામાં માહિર હોવાથી સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં પણ 13 ગુનાઓ તેની સામે નોંધાઈ ચુક્યા છે. હાલ તો પોલીસે આરોપી ત્રિકમ તોમરના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
દેશી કટ્ટા પ્રકરણ : સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલએ જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ નવસારીમાંથી પિસ્તોલ અને દેશી કટ્ટા પકડાવાના પ્રકરણમાં વોન્ટેડ આરોપી ત્રિકમ તોમરને નવસારીની વોન્ટેડ એકસ્યુસ્ડ સેલ દ્વારા બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી ઉતવાલી ખાતેથી દબોચી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ત્રિકમ નવસારીના જલાલપુર અને ટાઉન પોલીસ સ્ટેશનમાં બે અલગ આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો.