નવસારીઃ જિલ્લામાં આવેલા પૂર બાદ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળાને રોકવા 17 આરોગ્યની ટીમો કામે લાગી છે. સફાઈની કામગીરીમાં કુલ 396 સફાઈ કર્મચારીઓ જોતરાયા છે.
ક્લોરિનેશનની કામગીરી હાથ ધરાઈઃ ફુડ એન્ડ ડ્રગ વિભાગે નવસારી શહેરમાં ખોરાકની ચકાસણી શરૂ કરી છે. પૂરના કારણે 1.5 લાખ લોકો અસરગ્રસ્ત અને 3,700 લોકો સ્થળાંતરિત થયા છે. લોકોને કેશડોલ ચૂકવવા માટે અને ચુકવણી માટે ટીમો બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર કલોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સુરતની ટીમ જોડાઈઃ આરોગ્યની તકેદારીના ભાગરૂપે 98 જેટલી નાની મોટી ટીમો તથા 17 મોબાઇલ હેલ્થ યુનિટ અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે જોડાઈ છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ મદદમાં જોડાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની સાથે અનાજના ગોડાઉન તથા કરિયાણાની દુકાનો ચકાસવાની કામગીરી શરૂ કરી છે.
કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સઃ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પૂર બાદ કરવામાં આવી રહેલ રાહત અને સ્વચ્છતાની કામગીરીનો ચિતાર આપ્યો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ગઈકાલે ઉપરવાસનું પાણી પૂર્ણા નદીમાં આવતા નીચાણ વાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની હતી. જેને કારણે કુલ દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, 3 તબક્કામાં 3700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હાલ પૂરના પાણી ઓસરી જતાં રોગચાળાની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગની ટીમ સહિત NDRF, પાલિકાની ટીમ સાફ-સફાઈમાં જોતરાઈ છે. નવસારી શહેરમાં સુરત મહા નગર પાલિકા તેમજ નવસારી વિજલપુર નગર પાલિકાના 396 જેટલા સફાઈ કર્મચારીઓ, 5 જેસીબી મશીન તથા 30 જેટલા વિહિકલ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી કરી રહ્યા છે.