નવસારી : ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજી નો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના યુગોમાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ સિક્કાઓનો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે આ સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી રહ્યા છે. ઐતિહાસિક સિક્કાની શું છે કહાની જુઓ આ વિશેષ અહેવાલમાં.
વિષય વસ્તુના આધારે સિક્કા ભેગાં કર્યાં : વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેલીયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઈડિયા અપનાવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે હડપ્પીય સંસ્કૃતિ, મુઘલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજ, ટીપુ સુલતાનના સમયના તાંબા અને ચાંદીના દુર્લભ સિક્કાઓ 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો .છે જેને લઇ વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસને સમજી શકે છે.
ઇતિહાસમાં વિદ્યાર્થીઓની રુચિ વધારવાનો હેતુ : સિક્કા સંગ્રહનું અભૂતપૂર્વ કલેક્શન ભેગું કરનાર શિક્ષક હેમંતભાઈ પટેલ જણાવે છે કે વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે અને આ વિષયમાં રુચિ વધે તે હેતુસર મને સિક્કા સંગ્રહનો વિચાર આવ્યો હતો. કારણ કે ઇતિહાસ જાણવાનો મુખ્ય આધારભૂત સ્રોત સિક્કાઓ છે.
મેં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે સિક્કાઓનો સંગ્રહ કરવાની શરૂઆત 2019થી કરી હતી .જેમાં જૂનો સમય સમજાવવા માટે પંચમાર્કના સિક્કા રજવાડી શાસન સમજાવવા માટે જે તે શાસનકાળના સિક્કા, બ્રિટિશ શાસન સમજાવવા માટે બ્રિટિશ સમયના સિક્કા, સ્વતંત્ર ભારતનો ઇતિહાસ સમજાવવા માટે દેશ નેતા અને ક્રાંતિવીરની છાપવાળા સિક્કા અને ઐતિહાસિક ઘટના સમજાવવા માટેના સિક્કા જેમાં આજે મારી પાસે ઈ.સ. 500 થી લઈને 2024 સુધીના 362 જેટલા ચલણી સિક્કા અને 48 જેટલી જુદા જુદા દેશોની ચલણી નોટો છે...હેમંતભાઈ પટેલ (સિક્કા સંગ્રહક શિક્ષક )
રાજ્યકક્ષાના ઇનોવેશન પ્રોગ્રામમાં પ્રશંસા : તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળાના બાળકો અને ગામ લોકોનો સહકાર પણ સિક્કા સંગ્રહ કરવા માટે મદદરૂપ થયો છે. આ સિક્કા સંગ્રહમાં ગઢૈયા રાજ અને મુઘલ કાળથી લઈ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા છાપવામાં આવેલા રોયલ સ્ટેજના સિક્કાઓ છે. જે ખાસ કરીને અંગ્રેજોએ ફક્ત ચાર વિરાસતોને સિક્કા પાડવાની પરવાનગી આપી હતી. આવા પ્રાચીન સિક્કાઓ જેનો ઉપયોગ હું વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ક્લાસરૂમમાં કરું છું. જેના કારણે વિદેશમાં આ દેશ કઈ જગ્યાએ આવેલો છે તેની ભૌગોલિક પરિસ્થિતિ તથા તેના મૂલ્યોને આધારે તે દેશની આર્થિક પરિસ્થિતિ સમજાવવામાં સરળ રહે છે. આ પ્રયોગને વિદ્યાર્થીઓ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. સિક્કાઓને અમે અલગ અલગ વિભાગમાં ફ્રેમિંગ કરીને સંગ્રહ કર્યો છે. જેની રાજ્યકક્ષાના ઇનોવેશન પ્રોગ્રામમાં પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
સિક્કાઓની યાદી : હેમંતભાઈ પાસે જોવા મળતાં સિક્કાઓમાં હડપ્પીયન સંસ્કૃતિના સિક્કા 1, ગઢઈયા રાજના સિક્કા 1, મુગલ કાલીન ચાંદીના સિક્કા 3, મુઘલકાલીન તાંબાના સિક્કા 25, કચ્છના સામ્રાજ્યના સિક્કા 15, મારવાડના સિક્કા 2, સિંધે સામ્રાજ્યના સિક્કા 2, ભોંસલે સામ્રાજ્યના સિક્કા 3, અંગ્રેજ સામ્રાજ્યના ચાંદીના સિક્કા 25, અંગ્રેજ સામ્રાજ્યના તાંબાના સિક્કાઓ 32 રોયલ સ્ટેજના સિક્કા 2 અને શિવાજીના સમયના સિક્કા 3ની સંખ્યામાં જોવા મળે છે.
1947 પછીના વિવિધ સિક્કા અને નોટનો પણ સંગ્રહ : જ્યારે 1947માં ભારત દેશ આઝાદ થયો તે પછીના સમયના એટલે કે આઝાદી પછીના સિક્કાઓની વિવિધતા પણ તેમની પાસે છે. જેમાં સ્લોગન આધારિત સિક્કાઓ 76, દેશ નેતાઓના સિક્કાઓ 57, વિદેશના સિક્કાઓ 37, વિદેશની ચલણી નોટો 16, વિવિધ પ્રકારના સિક્કાઓ 47 અને જૂની ચલણી નોટો 15ની સંખ્યામાં સંગ્રહ કરેલી જોવા મળે છે.