નવસારી : નવસારી સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારી શહેરની મુલાકાતે હતા. ત્યારે રાજ્યની શ્રેષ્ઠ નવસારી-વિજલપોર નગરપાલિકામાં શહેરી વિકાસ યોજના હેઠળ 12.42 કરોડના કામોનું ખાર્તમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
12 કરોડના વિકાસકાર્યને મંજૂરી : ગતિશીલ ગુજરાત રાજ્યમાં નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ રુ. 12.42 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત રૂ. 9.75 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત બ્લોક પેવિંગ, વરસાદી ગટર અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડામર રસ્તા બનાવવાની ખાતમુહૂર્ત વિધિનો શ્રીફળ વધાવી કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ફાયર મોડેલ સ્ટેશનનું ખાતમુહૂર્ત : નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વરદ હસ્તે અંદાજીત રૂ. 2.67 કરોડની કામગીરીની ખાતમુહૂર્ત વિધિ લુન્સીકુઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ, નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવ, ડીડીઓ પુષ્પા લતા, એસપી સુશીલ અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિત નગરસેવકો અને પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસને મળશે વેગ : આ તકે ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 9.75 કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનવાની ગ્રાન્ટ મંજૂર થઈ છે. તેની સાથે જ શહેરમાં 2.67 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બ્લોક અને વરસાદી ડ્રેનેજ બનાવવાના કાર્ય મંજૂર થયા છે. આજે નવસારી વિજલપોર પાલિકા દ્વારા નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.