સુરત : ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ચૂંટણી તેઓ પોતાના મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ જંગી મેદની સાથે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવશે. ગૃહ કેન્દ્રીયપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપશે. આ સાથે નાણાંપ્રધાન કનુ દેસાઈ રાજ્યના, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય પ્રધાનો પણ હાજરી આપશે. ધારાસભ્યોની આખી ફોજ વિજય સંકલ્પ રેલીમાં જોડાશે.
માતાના આશીર્વાદ લીધા : સી આર પાટીલ નામાંકન પહેલા માતાના પગે લાગ્યા હતાં અને આશીર્વાદ લીધા હતાં. ત્યાર બાદ પરિવાર સાથે નામાંકન ભરવા માટે તેઓ સુરતથી રવાના થયા હતા. સી.આર.પાટીલ સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના પ્રધાન મુકેશ પટેલ પણ જોડાયાં હતાં.
છ સ્થળે ખાસ નાસિક ઢોલ : સુરતની ચાર વિધાનસભા બેઠકમાંથી 800 જેટલી બસો ઉપરાંત સંખ્યાબંધ ખાનગી વાહનોના કાફલામાં આખા શહેરમાંથી સમર્થકો કાર્યકરો આ રેલીમાં જોડાશે. પુરુષો સહિત યુવાન યુવતીઓ અને મહિલાઓ પણ આ ખાસ કેસરી સાફા પહેરીને આખો માહોલ ભગવા રંગે રંગી દેવા તૈયાર થઈ છે. છ સ્થળે ખાસ નાસિક ઢોલ, ત્રાંસ, નગારાના નાદ વચ્ચે પ્રસિદ્ધ લોગ ગાયિકા ગીતા રબારી પણ હાજર રહીને લોકગીતોથી માહોલને વધુ ઉલ્લાસમય બનાવી દે છે. ઉલ્લેખનીય છે કે નવસારી ખાતે આ માટે આખો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે.
800 બસ અને 2000થી વધુ કાર : અગત્યનું છે કે નવસારી લોકસભા મતવિસ્તારમાં યોજનારી આ સંકલ્પ યાત્રામાં એક લાખની અપેક્ષા સામે તેનાથી પણ વધુ જનમેદની એકત્ર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી લોકસભા મત વિસ્તારમાં સુરત શહેરની ચાર વિધાનસભાનો સમાવેશ થાય છે. આ ચાર વિધાનસભામાં 800 બસ અને 2000થી વધુ કાર સાથેનો કાર્યકર્તાઓનો કાફલો તો જોડાશે જ, પરંતુ સી.આર.પાટીલના કેટલાક સમર્થકો આખા શહેરમાંથી પણ પોતાના ખાનગી વાહનો સાથે જોડાનાર છે.