નવસારીઃ ચીખલી તાલુકાના સમરોલી ગામે શોકની કાલીમા છવાઈ ગઈ છે. એક જ પરિવારના મામા અને ભાણીનું માત્ર 3 કલાકના અંતરાલમાં આકસ્મિક મૃત્યુ થતા પરિવાર પર આભ તુટી પડ્યું છે. મામા તળાવમાં ડૂબી ગયા જ્યારે ભાણી રમતી વખતે ગળામાં પટ્ટો ફસાઈ જતા શ્વાસ રુધાવાથી મોત થયું છે.
માત્ર 3 કલાકના અંતરાલમાં 2 આકસ્મિક મૃત્યુઃ સમરોલીના પહાડ ફળિયામાં રહેતા 21 વર્ષીય યોગેશ કુકણા ગામના મોટા તળાવમાં બપોરના સમયે નાહવા માટે ગયા હતા. તેઓ તળાવમાં ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. લાંબા સમય સુધી તેઓ તળાવમાં નહાતા ના દેખાતા સ્થાનિકો દ્વારા તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે યોગેશ કુકણા તળાવમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા છે.
ભાણીનો શ્વાસ રુંધાઈ ગયોઃ સમરોલીના વાડી ફળિયામાં રહેતી 9 વર્ષીય નિશા સોલંકીના ગળામાં પટ્ટો વીંટાઈ જતા તેણીનો શ્વાસ રુંધાઈ ગયો હતો. પરિવારને જાણ થતાં તેણીને હોસ્પિટલ લઈ જવાઈ. જો કે ફરજ પરના તબીબે નિશાને મૃત જાહેર કરી હતી. એક જ દિવસમાં 3 કલાકના અંતરાલમાં મામા-ણીના મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો છવાયો છે. આ સમગ્ર બાબતે ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સમરોલી ખાતે બનેલ કરુણ ઘટનામાં 9 વર્ષીય બાળકીની પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે બાળકીના મામાનું તળાવમાં નહાતી વેળાએ અકસ્માતથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે...એચ. એસ. પટેલ(તપાસ અધિકારી, ચીખલી પોલીસ)