નવસારી: કેન્દ્ર સરકારમાં જળ શક્તિ મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ કેબિનેટ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. કેબીનેટ મંત્રી સી. આર. પાટીલે નવસારી લોકસભા વિસ્તારમાં ઘરે ઘરે વોટર હાર્વેસ્ટિંગ કરાવવા અને સૌથી વધુ વૃક્ષારોપણ કરવા માટે આજે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોને સંકલ્પ લેવડાવ્યો હતો. સાથે જ ચોથીવાર તેમને જંગી બહુમતી અપાવવા બદલ મતદારો અને કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
સી. આર. પાટીલે કાર્યકર્તાઓનો દિલથી આભાર માન્યો: નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ચોથી વાર પોતાના જ રેકોર્ડને તોડીને 7.73 લાખ મતોની લીડ મેળવી હતી. અને ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ચોથા નંબરે રહ્યા છે. ત્યારે નવસારી સતત જીતનાર અને તે પણ જંગી બહુમતી મેળવવા માટે જ ચૂંટણી લડતું હોવાનું ગણાવી ભારત સરકારના જલશક્તિ કેબિનેટ મંત્રી સી. આર. પાટીલે નવસારી લોકસભાના મતદારો અને કાર્યકર્તાઓનો દિલથી આભાર માન્યો હતો. સાથે જ ભલે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા હોય પણ તેઓ સતત કાર્યકર્તાઓની વચ્ચે રહેશે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો. આ સાથે જ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જળ શક્તિ મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર નવસારીની મુલાકાત લીધી હતી. જેની સાથે જ તેમના સ્વભાવ પ્રમાણે તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા.
100 ઘરોમાં વોટર હાર્વેસ્ટિંગ કરાવ્યું: સી. આર. પાટીલે નવસારીના સરીબુજરંગ ગામમાં 100 ઘરોમાં વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું હોવાનું ઉદાહરણ આપી નવસારી લોકસભા વિસ્તારમાં દરેક ઘર, ફેક્ટરી, શાળા અને કોલેજ જેવી તમામ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે એવી અપીલ કરી હતી. જેની સાથે જ 10 ફૂટ ઊંચા વૃક્ષો વિના મૂલ્યે આપી સંસદીય મતવિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય, વૃક્ષોનું જતન થાય એવા પ્રયાસો કરવા માટે પણ ઉપસ્થિતોને આગ્રહ કર્યો હતો.