રાજકોટ: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ અને વિખ્યાત એવા ઓસમ પર્વત પર વરસાદ બાદ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. આ કુદરતી સૌંદર્યને માણવા અને નિહાળવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો, શ્રદ્ધાળુ અને મુસાફરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ કુદરતી સૌંદર્યને માણતા લોકો મંત્રમુક્ત બન્યા હોય તેવું દેખાઈ આવે છે. અહીંયા દેવ-દર્શન કરી દર્શનાર્થીઓ અને મુસાફરો આ કુદરતી સૌંદર્યને માણીતા હોય છે.
ઓસમ પર્વતની કુદરતી સંપત્તિ: વર્તમાન સમયમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.
વરસાદ વરસતાની સાથે જ પાટણવાવ ખાતે આવેલ પ્રસિદ્ધ એવા ઓસમ પર્વતની કુદરતી સંપત્તિ ખીલી ઉઠી છે અને પ્રાકૃતિ પર જાણે માતા વસુંધરા દેવીની કૃપાદ્રષ્ટિ વિશેષ રૂપે હોય તેવું જોવા મળ્યું છે.
કુદરતના ખોળે આનંદની અનુભૂતિ: પાટણવાવનો ઓસમ પર્વત આમ તો જગવિખ્યાત છે. આ ઓસમ પર્વત પર છેલ્લા ઘણા સમયથી આરોહણ અને અવરોહણની સ્પર્ધાઓ પણ યોજાય છે. આ ઓસમ પર્વતનો ઇતિહાસ પણ અનેક ગાથાઓ સાથે જોડાયેલ છે.
અહીંયા માત્રી માતાજીનું મંદિર છે, ભીમની થાળી સાથે-સાથે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે તો અન્ય ઘણા ધાર્મિક સ્થાનો પણ આ પર્વત પર બિરાજમાન છે.
પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડે: અહીંયા ચોમાસા દરમિયાન દર વર્ષે માતા વસુંધરા દેવીની કૃપા થતી હોય અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠતી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે. આ સર્જાતા દ્રશ્યોના કુદરતી સૌંદર્યને નિહાળવા અને માળવા માટે વિવિધ વિસ્તારોમાંથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. આ નજારાને જોઈને સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ બની જાય છે અને કુદરતી સૌંદર્યને માણી કુદરતના ખોળે આનંદની અનુભૂતિ કરે છે.