જુનાગઢ: ભારત આઝાદ થયું તેને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાના એવા નતાડીયા ગામમાં આજે પણ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કચેરી દ્વારા ગામને એસટી બસ સેવાથી વંચિત રાખવામાં આવી રહી છે. જેને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાછલા ઘણા વર્ષોથી ગામ લોકો દ્વારા ગામને એસટી સેવાથી જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ નિગમે ગામને એસટી બસ સેવાથી જોડવામાં આવશે તેવું વચન આપીને પરિપત્ર પણ કર્યો હતો, તેમ છતાં આજે પણ હજુ ગામમાં એસટી સેવા શરૂ થઈ નથી.
ત્રણ મહિના પહેલા કરાયો પરિપત્ર: રાજ્યના એસટી વિભાગ દ્વારા ત્રણ મહિના પૂર્વે જુનાગઢથી મેંદરડા વચ્ચે ચાલતી એસટી બસ સેવામાં નતાડીયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ પણ ગામના સીમાડે બસ જોવા મળતી નથી. ગામમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓ કોલેજ અને માધ્યમિક શાળાનું શિક્ષણ મેળવી રહ્યા છે. આ બાળકોના વાલીઓએ તેમના સંતાનોને શાળાના સમય કરતા એક કલાક પૂર્વે નતાડીયા ગામથી નજીક આવેલા નાની ખોડીયાર ગામ સુધી મૂકવા જવું પડે છે. જેને કારણે શાળાના બાળકોનો અભ્યાસ બગડવાની સાથે ગામ લોકોને વાહન વ્યવહાર નિગમની સરકારી સુવિધાથી પણ વંચિત રહેવું પડે છે. આવી પરિસ્થિતિમાં ગામના સરપંચે આજે એસ.ટી નિગમને વિનંતી સાથે રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો ગામમાં એસટી બસ સેવા શરૂ નહીં થાય તો સમગ્ર ગામ એસટી નિગમની કચેરી જુનાગઢ ખાતે આંદોલન પર ઉતરી જશે.