જૂનાગઢઃ છેલ્લા 4 દસકાથી અમેરિકામાં રહેતા પરંતુ મૂળ જૂનાગઢના ગૌરાંગ વૈષ્ણવ આજે મોદી સરકારની શપથવિધિ પ્રત્યક્ષ નિહાળશે.આ શપથવિધિમાં 7 સમંદર પારથી ગૌરાંગ વૈષ્ણવને હાજર રહેવા પીએમઓમાંથી આમંત્રણ અપાયું છે.
PMOનું ખાસ આમંત્રણઃ આજે મોદી સરકાર ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહી છે. સાંજે શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનાર છે. શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના અનેક ગણમાન્ય નેતાઓ હાજર રહેવાના છે. આ ઉપરાંત મૂળ જૂનાગઢના અને હાલ અમેરિકા રહેતા ગૌરાંગ વૈષ્ણવ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ગૌરાંગ વૈષ્ણવને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે અમેરિકા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આમંત્રણ મળતા જ ગૌરાંગ વૈષ્ણવ આજે દિલ્હી પહોંચી ચૂક્યા છે. સાંજના સમયે આયોજિત થનારા શપથ ગ્રહણ સમારોહમાં તેઓ સ્વયં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણને નિહાળશે.
કોણ છે ગૌરાંગ વૈષ્ણવ?: આજથી 4 દસકા પૂર્વે ગૌરાંગ વૈષ્ણવ જૂનાગઢમાં આવેલી વસાવડા ખડકીમાં રહેતા હતા. 40 વર્ષ પૂર્વે તેઓ અમેરિકા ગયા અને આજે ત્યાં જ પોતાનો બીઝનેસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીની ખૂબ જ નજીક મનાતા ગૌરાંગ વૈષ્ણવ અમેરિકામાં આયોજિત થતા ભાજપના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું સંચાલન અને તેનું આયોજન સ્વયંમ કરે છે. નરેન્દ્ર મોદી પાછલી 3 લોકસભાની ચૂંટણી બનારસથી લડ્યા છે ત્યારે આ ચૂંટણી દરમિયાન પણ ગૌરાંગ વૈષ્ણવે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની મોટાભાગની જવાબદારીઓ વારાણસીમાં નિભાવી છે. તેમણે નરેન્દ્ર મોદીના ખૂબ ખાસ અને અંગત માનવામાં આવે છે. તેથી વડાપ્રધાન કાર્યાલય તરફથી શપથવિધિ સમારોહમાં હાજર રહેવા ગૌરાંગ વૈષ્ણવને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.