તાપી: નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશકુમાર ગામીતને શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવ્યા હતા, જેને પગલે તાપી જિલ્લામાં હર્ષ સાથે ગૌરવ ની લાગણી પ્રવર્તી હતી, આજે મુકેશ ગામીતના સન્માનમાં વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી.
આતંકવાદીઓ સામે બહાદુરીનું પ્રદર્શન: વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 CRFના કોન્સ્ટેબલ મુકેશ ગામીતે મીડિયા માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, 19 ડિસેમ્બર, 2021ના રોજ શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂધ ફાયરિંગ દરમિયાન CR ની જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા, તે દરમ્યાન આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારીથી બચાવવા આતંકવાદીના રાયફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો. આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીથી બહાર ભાગ્યો ગયો, જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો. આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિજીના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત થતા દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુંજતું થયું છે.
વ્યારામાં તેમનું ભવ્ય સ્વાગત: તેમના સન્માનમાં આજે જિલ્લાના વડા મથક વ્યારા ખાતે તેમનું સન્માન કરી વ્યારા નગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી, અને તેમનું વ્યારા નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શૌર્યચક્ર પ્રાપ્ત કર્યા બાદ કોન્સ્ટેબલ મુકેશ ગામીતનું વ્યારા શહેરમાં ફૂલોથી સ્વાગત કરી સમગ્ર જિલ્લાના લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમની વીરતાને બિરદાવી હતી. મિશન નાકાથી ડીજે સાથે બાઇક રેલી વ્યારા શહેરના અનેક વિસ્તારોમાં ફરી તેમના ગામ સુધી પહોંચી હતી..
શૌર્ય ચક્રથી સમ્માનિત મુકેશ ગામીતએ જણાવ્યું: તેમણે કહ્યું કે, "શૌર્યચક્રથી સમ્માનિત થવા બદલ હું ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું ગામના લોકો તથા સરપંચ, પોલીસ સ્ટાફ અને જિલ્લાના તમામ લોકો મારા સન્માન માટે આવ્યા છે, તે બદલ હું ખૂબ ખુશ છું અને આ સન્માન મળવાથી ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. અમારી ટીમ શ્રીનગરના જે એરિયામાં સક્રિય છે ત્યાં આતંકવાદીઓને પકડવા અને મારવાનો ટાર્ગેટ હતો, તે લોકો ત્યાંની જનતાને ઉકસાવ છે અને દેશને જે નુકશાન પહોંચાડવાનું કામ કરે છે તે લોકોને પકડવાનું ઓપરેશન કરીએ છીએ. નવી પેઢી પણ આ પ્રકારની તાલીમ મેળવી આર્મીમાં ભરતી થાય અને દેશનું નામ રોશન કરે તેવી મારી ઇચ્છા છે.