વલસાડ: સમગ્ર ભારત દેશ લોકશાહી ઉપર ચાલી રહ્યો છે ત્યારે લોકશાહી જાળવી રાખવા દર પાંચ વર્ષે વિવિધ ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો તેમજ મતદારોના મતની કિંમત કેટલી છે અને મતદાતાઓ મત નાખ્યા બાદ તેની ગણતરી કઈ રીતે થાય છે એ સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે સમગ્ર ચૂંટણીની સમજણ મલનપાડા મોડેલ સ્કૂલમાં પ્રેક્ટિકલ પ્રક્રિયા ભજવીને અપાઈ હતી.
સ્કૂલમાં ચૂંટણી કેન્દ્ર બનાવવામાં આવ્યું: ધરમપુરના માલનપાડા ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ચૂંટણી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ દળના જવાનો તેમજ મતદાન કેન્દ્રમાં મત કુટીર પણ બનાવવામાં આવી હતી. જ્યાં વિદ્યાર્થી મતદાતાઓએ પોતાના ઉમેદવારને ચુંટવા માટે પોતાનો કીમતી મત ગુપ્તતા જાળવીને મતદાન કર્યું હતું.
મોબાઈલ ફોન નો એવી એમ તરીકે ઉપયોગ કરાયો: બાળ સાંસદ ચૂંટણીમાં ગુપ્ત મતદાન કરવા માટે મત કુટીરમાં મોબાઇલ ફોનનો ઇવીએમ મશીન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વિશેષ સોફ્ટવેર થકી વિદ્યાર્થીઓએ કરેલું મતદાન સંગ્રહ કરાયું હતું, અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તેની ગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ચાર જેટલા વિદ્યાર્થી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરાયું: 12 સાંસદ ચૂંટણીમાં કુલ ચાર જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે એક નોટા તરીકે એમ કુલ પાંચ ઉમેદવારો આ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. જ્યારે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા 200થી વધુ વિદ્યાર્થીઓએ મતદાતા તરીકે મતદાન મથક ઉપર રીતસર લાંબી કતારમાં ઉભા રહી પોતાનો કિંમતી મત પોતાના નક્કી કરેલા ઉમેદવારને આપ્યો હતો.
જે રીતે ચૂંટણી યોજાય છે એ જ રીતે સમગ્ર માહોલ ઊભો કરાયો: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડા ખાતે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમજી શકે તે માટે સમગ્ર ભારતમાં જે રીતે ચૂંટણી યોજવામાં આવે છે એ તમામ પ્રકારનો માહોલ સ્કૂલમાં જ ઉભો કરવામાં આવ્યો હતો. જેથી તમામ વિદ્યાર્થીઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજી શકે તેમ જ જાણી શકે અને સ્કૂલમાંથી બહાર નીકળ્યા બાદ તેઓ સમગ્ર ચૂંટણી કઈ રીતે યોજાય છે તે અન્યને પણ જાણકારી આપી જાગૃત કરી શકે.
દર વર્ષે સ્કૂલમાં ચૂંટણીનું આયોજન થાય છે: મોડેલ સ્કૂલ માલનપાડા ખાતે વિદ્યાર્થીઓને લોકશાહી પર્વમાં ચૂંટણીની મહત્વતા સમજાવવા માટે તેમજ મતદારના મતની કિંમત કેટલી હોય અને ચૂંટણી પ્રક્રિયા વિશિષ્ટ રીતે સમજી શકે તે માટે દર વર્ષે સ્કૂલમાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે તે જ પ્રકારે આજે પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ વિદ્યાર્થી મતદારોએ પોતાના મતોનું મતદાન કર્યું હતું.
ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ માટે ચૂંટણી ખૂબ રસપ્રદ વિષય: ધરમપુર અને કપરાડા વિસ્તારના અંતરિયાળ ક્ષેત્રમાં રહેતા વિદ્યાર્થીઓ ચૂંટણી શબ્દ સાંભળી, તે કઈ રીતે યોજાય છે? અને તેનું શું મહત્વ છે? એ તેઓ જાણી નથી શકતા, આથી આ સમગ્ર બાબત તેઓ બખૂબી સમજી શકે અને પોતાની નજર સામે થયેલી ચૂંટણી કઈ રીતે યોજાય છે તે જાણી શકે તે માટે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાર ઉમેદવારો બાળ સાંસદ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતર્યા: ધરમપુર માલનપાડા મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિવિધ વર્ગના લોક પ્રિય વિદ્યાર્થી તેમજ સ્કૂલમાં વિશિષ્ટ કામગીરી કરતા વિદ્યાર્થીઓને બાળ સાંસદ ચૂંટણીમાં પોતાના ઉમેદવારી પત્રો ભરવાનો મોકો આપવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરવામાં આવે છે તે રીતે વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ પહેલા સમગ્ર સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે પોતાનો પ્રચાર પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં કુલ ચાર જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
લોકશાહી પર્વની મહત્વતા: આમ ભવિષ્યની પેઢી લોકશાહી પર્વની મહત્વતા સમજી શકે અને તેમની નજર સમક્ષ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા તેઓ જાણી અને માણી શકે એ માટે માલનપાડા સ્કૂલ દ્વારા એક મહત્વનું પગલું લેવામાં આવ્યું હતું, જે અન્ય સ્કૂલો માટે પણ ખૂબ આવકારદાયક કહી શકાય તેમ છે. જેથી બાળકો ચૂંટણી પર્વને સમજી શકે.