તાપી : વ્યારામાંથી પસાર થતી કેનાલમાં યુવક ગરક થતા પંથકમાં ચકચાર મચી છે. આજે સવારે આશરે 11 કલાકના અરસામાં વ્યારામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં એક બાઈક સવાર અકસ્માતે પડ્યો હતો. નહેરના પાણીનું વહેણ વધારે હોવાના કારણે યુવક જોતજોતામાં ધસમસતા વહેતા પાણીમાં સમાઈ ગયો હતો. ફાયર વિભાગે યુવકની તપાસ હાથ ધરી છે.
કેનાલમાં ગરક થયો યુવાન : આ અંગે મળતી માહિતી અનુસાર આશરે 30 વર્ષીય મનોજ મહાલે વાળંદ કામના વ્યવસાય સાથે સંકળાયેલ હતો. તે પોતાની દુકાને જઈ રહ્યો તે અરસામાં આ ઘટના બની હતી. યુવકે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઈક સાથે પાણીમાં ગરક થયો હતો. આ ઘટના એક વ્યક્તિએ જોતા તુરંત વ્યારા ફાયર વિભાગને જાણ કરી હતી. કલાકોની જહેમત બાદ ફાયર જવાનોએ યુવકની ગાડીને નહેરમાંથી કાઢી હતી. પરંતુ યુવક મળ્યો નહોતો, જેથી સમગ્ર પંથકમાં આ રોડ પરની રેલિંગ જલ્દી બનાવવા માંગ ઉઠી છે.
વ્યારા નગરપાલિકા જવાબદાર ? ઉલ્લેખનીય છે કે, વ્યારાની નહેર બાજુમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બનેલા રોડની રેલીંગ બનાવવા માટે વ્યારાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત થઈ છે. વ્યારા પાલિકાને રોડની રેલિંગ બનવાનું મોડે મોડે યાદ આવ્યું અને હાલ તેનું કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું છે. પણ રોડ બન્યા બાદ તુરંત રેલિંગ બની હોત તો આ યુવાનનો જીવ બચી ગયો હોત. આ અગાઉ પણ નહેરની રેલિંગના અભાવે અકસ્માતો થયા હોવાનું સ્થાનિકો જણાવે છે. વ્યારા નગરપાલિકા આ અંગે ઝડપી કાર્યવાહી કરે તો અન્ય લોકોના જીવ બચી શકે તેમ છે.
બચાવ કામગીરી : આ મામલે વ્યારાના ફાયર ઓફિસર દિગ્વિજય ગઢવીએ જણાવ્યું હતું કે, ધ્વનિ સંદેશ વડે માહિતી મળી હતી કે વ્યારા મિશન નાકે આવેલ નહેર અને આર્જવ સોસાયટી નજીક અજાણ્યો ઈસમ, જે અહીંથી બાઈક લઈ નીકળેલ અને પોતાની બાઇક પરથી કાબુ ગુમાવી આ નહેરમાં પડી ગયેલ છે. જેની માહિતી મળતા અમારી ફાયરની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને એમની શોધખોળની તજવીજ ચાલુ છે.