ગાંધીનગર: ક્રિષ્ના વૃદ્ધાશ્રમમાં રહેતા અનેક માતાના સંતાનો સાધન સંપન્ન હોવા છતાં પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે. માતૃ દેવો ભવ અનુસાર માતાની પણ દેવોની જેમ પૂજા કરવી જરૂરી છે. માના આશીર્વાદ મેળવવા પણ જરૂરી છે. ક્રિષ્ના વૃદ્ધાશ્રમ સંચાલક રાજેશ ભટ્ટે જણાવ્યું કે, હું છેલ્લા 26 વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવું છું. અમારા વૃદ્ધાશ્રમમાં 30 વડીલો રહે છે. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સાર સંભાળ, તેનું માન સન્માન જળવાઈ રહે છે. ઘણા એવા સંતાનો છે કે, તેમની પાસે માલ મિલકત છે પરંતુ પોતાના વૃદ્ધ માતાને રાખવા તૈયાર નથી. તેમની સાથે મારઝૂડ કરીને બધું પડાવી લેવાના પેતરા કરે છે.
માતાની મિલ્કત પડાવી લીધી: એક માતાના સંતાનો એવા કપાતર છે કે, તેમણે શરૂઆતમાં ડાહી ડાહી વાતો કરીને પોતાની માતાની બધી મિલકતો પડાવી લીધી હતી. ત્યારબાદ પોતાની માતાને રસ્તા પર રજળતી મૂકી દીધી હતી. લોકો મંદિરોમાં જઈને લાખો રૂપિયાનું દાન કરીને તકતી લગાવડાવે છે. પરંતુ પોતાના મા બાપને રાખવા માટે તૈયાર નથી.
પુત્ર માતાપિતાને રાખવા તૈયાર નથી: છેલ્લા 5 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા કુસુમબેન ભાવસારે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, હું મારી દીકરીના ઘરે રહેતી હતી. દીકરીના કુટુંબીજનો મહેણા ટોણા મારતા હતા. આજના સંતાનો ઘરમાં નોકર ચાકર રાખે છે. તેમને પગાર ચૂકવે છે પરંતુ માતા-પિતાને રાખવા માટે તૈયાર નથી. સંતાનો અને પુત્રવધુ જ્યારે કામ ધંધા અને નોકરીએ જાય છે ત્યારેએ વૃદ્ધો જ હોય છે કે, જે ઘરની સાર સંભાળ અને દેખરેખ રાખે છે. દીકરાઓને પણ કેટલાક માતા-પિતા ઘોડિયા ઘરમાં મૂકી આવે છે.
નશાખોર પુત્રોના લીઘે માતા વૃદ્ધાશ્રમમાં: કલોલ તાલુકાના શેરથા ગામમાં રહેતા સવિતાબેન પટેલને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીઓ છે. બંને પુત્રને નશાની લત હતી. એક પુત્રનું અવસાન થતાં બીજા પુત્રએ સવિતાબેનની જમીન અને મકાન પર દાનત બગાડી હતી. બીજો પુત્ર દારૂ પીને પોતાની માતા સવિતાબેન સાથે મારઝૂડ કરતો હતો. અને સવિતાબેન પર સતત જમીન અને મકાન વેચવાનું દબાણ કરતો હતો. તેથી અંતે કંટાળીને તેમની પુત્રીઓ સવિતાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા.
સમાજમાં વિકાસના દાવાઓ વચ્ચે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. જે આપણી સમાજ વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. આશા રાખીએ કે, સંતાનો વૃદ્ધ માતા અને પિતાને તરછોડવાને બદલે પોતાની સાથે રાખે કારણ કે, માતા પિતાને તરછોડનારા પણ ક્યારેક વૃદ્ધ તો બનવાના જ છે.