ગાંધીનગર: સરકારે ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી છે. ટૂંકી નોટિસના સત્રની જાહેરાત થયા બાદ પણ રાજકોટનો અગ્નિકાંડ, ફોરેસ્ટ ભરતી પરીક્ષાના કૌભાંડ, નકલી કચેરીઓના કૌભાંડ હોય, ભુમાફિયા બેફામ થયા હોય, ખેડૂતોના પ્રશ્ન, ભરતી પ્રક્રિયાના પ્રશ્ન સહિતના અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પરેશાન છે. આ પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે પૈકી મોટાભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે.
તાકીદના મુદ્દાઓને લઇને ટૂંકી મુદતના પ્રશ્નો પૂછાય: વિધાનસભાના નિયમ અનુસાર તારાંકિત પ્રશ્નોત્તરી દાખલ કરવામાં આવતી હોય છે. ચૂંટાયેલા ધારાસભ્ય અલગ અલગ વિભાગના પ્રશ્ન પૂછી શકતા હોય છે. પરંતુ જ્યારે ટૂંકી મુદતની નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તારાંકિત પ્રશ્નો થઈ શકતા નથી. ટૂંકી નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તાકીદના મુદ્દાઓને લઈને ટૂંકી મુદતના પ્રશ્નો પુછાય છે. ટૂંકી મુદતના પ્રશ્નમાં જે તે વિભાગના મંત્રી સહમત ન થાય તે પ્રશ્ન દાખલ થતા નથી.
પ્રશ્નો ચર્ચામાં ન આવે તેવા પ્રયત્નો થાય છે: કોંગ્રેસ પક્ષ દ્વારા કેવડિયામાં આદિવાસી યુવાનની હત્યાનો પ્રશ્ન, રાજકોટ અગ્નિકાંડનો પ્રશ્ન, સરસ્વતી સાધના યોજનામાં સાયકલની ખરીદીનું કૌભાંડ, ડ્રગ્સ વગેરે મુદ્દે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્ન પર વિધાનસભામાં ચર્ચા થાય અને તેની હકીકતો રજૂ થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ટૂંકી મુદતના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવામાં મંત્રીઓ સહમત થયા નથી. તેથી આ પ્રશ્ન ચર્ચામાં ન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.