ગાંધીનગર: સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના અંગે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે ગોબર-ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ₹૩૭,૦૦૦ની સબસિડી આપે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે. આજે રાજ્યમાં ૭૨૦૦થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બાયોગેસ પ્લાન્ટ્સના કારણે પરંપરાગત ઇંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યમાં પણ સુધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા અને સફાઈ કાર્યક્રમોને વેગ આપવાના ઉદ્દેશથી ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વછતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયો હતો. ગુજરાતના નાગરિકોમાં ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની ભાવના ઉજાગર કરવાના ઉદ્દેશથી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ગોબરધન યોજના હેઠળ સ્થાપિત બાયોગેસ પ્લાન્ટ્સ પણ સ્વચ્છ ઇંધણ ઉત્પન્ન કરી સ્વચ્છ પર્યાવરણમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.
ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) ધન યોજના શું છે?
ગોબર-ધન યોજનાએ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વ્યાપક બાયોગેસ કાર્યક્રમનો એક ભાગ છે. આ યોજના ૧ નવેમ્બર, ૨૦૧૮ના રોજ જળ શક્તિ મંત્રાલય – પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગોબરધન યોજનાનો હેતુ કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ-અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસ/સીબીજી/બાયો સીએનજીમાં રૂપાંતર કરવાનો છે. આ બાયોગેસનો ઉપયોગ રસોઈ અને વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ગોબર ધન યોજના હેઠળ કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન તો થાય જ છે, સાથે નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને સમર્થન મળે છે, સ્વચ્છતામાં વધારો થાય છે, ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે બેથી વધુ પશુધન હોવા આવશ્યક છે.
બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આપે છે ₹૩૭,૦૦૦ની સબસિડી
સરકારી વિગતો પ્રમાણે, બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર યુનિટ ₹૩૭,૦૦૦ની સબસિડી પૂરી પાડે છે. દરેક ૨-ઘન મીટર ક્ષમતાવાળા બાયોગેસ પ્લાન્ટ માટે લાભાર્થીનો ફાળો ₹૫૦૦૦, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ફાળો ₹૨૫,૦૦૦ અને મનરેગાનો ફાળો (બાયોગેસ પ્લાન્ટના ખાડા અને સ્લરી એકત્રીકરણ માટે) ₹૧૨,૦૦૦ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે, એક બાયોગેસ પ્લાન્ટ ₹૪૨,૦૦૦ના ખર્ચે તૈયાર થાય છે અને લાભાર્થીએ માત્ર ₹૫૦૦૦નું રોકાણ કરવાનું હોય છે. બાયોગેસ પ્લાન્ટ માટે બનાસ ડેરી, સાબર ડેરી, દૂધ સાગર ડેરી, અમુલ ડેરી અને NDDBને અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા
સરકારે આપવામાં આવેલી વિગતો પ્રમાણે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ હેઠળ ૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૭૬૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાના લક્ષ્યાંક સામે આજદિન સુધીમાં કુલ ૭૨૭૬ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ બાયોગેસ પ્લાન્ટ માટે જિલ્લા દીઠ ₹૫૦ લાખ (કેન્દ્ર ૬૦% અને રાજ્ય ૪૦% રેશિયો)ની ફાળવણી કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત ૯૭% વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. તો ગોબરધન પ્રોજેકટ અંતર્ગત ક્લસ્ટર બાયોગેસ પ્લાન્ટ અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ઇંધણની બચત સાથે સ્વાદમાં પણ વધારો થયો
જૈવિક કચરામાંથી પેદા થતા બાયોગેસનો ઉપયોગ રસોઈ માટે કરી શકાય છે અને તેનાથી ઇંધણની બચત તો થાય છે, સાથે સ્વાદમાં પણ વધારો થાય છે. સાબર ડેરીના સર્વેક્ષણ અનુસાર, ૧૦૦% પરિવારોએ એવું સ્વીકાર્યું હતું કે, બાયોગેસથી રાંધવામાં આવેલા ખોરાકનો સ્વાદ વધુ સારો છે. તો ૮૭% પરિવારોએ સ્વીકાર્યું કે, લાકડા અથવા એલપીજીની સરખામણીમાં બાયોગેસથી બનેલી રસોઈનો સમય નોંધપાત્ર રીતે ઓછો હતો. બાયોગેસથી ખોરાક રાંધવાના કારણે અન્ય એક ફાયદો એ પણ થયો છે કે, ખોરાક રાંધ્યા બાદ વાસણો સાફ કરવાનું સરળ બન્યું છે.
મહત્વની વાત એ છે કે સરકારી દાવા પ્રમાણે, બાયોગેસ પ્લાન્ટ્સના ઉપયોગથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી છે. બાયોગેસ પ્લાન્ટની સ્થાપના પહેલાં વ્યક્તિને રસોડામાં ધુમાડો, આંખના ચેપ, શ્વસન ચેપ, મચ્છર અને માખીઓ દ્વારા થતા રોગોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બાયોગેસ પ્લાન્ટની સ્થાપના બાદ સ્વાસ્થ્યને લગતી આ સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ તમામ ફાયદાઓને જોતાં રાજ્ય સરકારે વધુ ૫૦ કલસ્ટર માટે ૧૦,૦૦૦ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.
પૈસાની બચત સાથે આવકના નવા સ્ત્રોત પેદા થયા
કુદરતી રીતે પેદા થયેલા બાયોગેસના વપરાશને કારણે એલપીજી સિલિન્ડર માટેનો ખર્ચ બચે છે. તો લાકડા સળગાવવાના કારણે ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ પણ ઓછું થાય છે. આ બાયોગેસ પ્લાન્ટમાં સ્લરી દુર્ગંધ રહિત હોય છે, જેનો ઉપયોગ સેન્દ્ગીય ખાતર તરીકે કરીને ખેડૂતો જૈવિક ખેતી કરી શકે છે. આ સેન્દ્ગીય ખાતર વેચવા માટે સહકારી મંડળી બનાવીને આવકમાં વધારો કરી શકાય છે. સ્વસહાય જૂથોની ખાદ મંડળીઓ દ્વારા બહેનો આત્મનિર્ભર બની છે અને તેમને રોજગારીનો નવો સ્ત્રોત મળ્યો છે.