જુનાગઢ: જિલ્લામાં અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર મીઠા પાણીના સમુદ્રમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે. જુનાગઢ, પોરબંદર અને ઉપલેટા ધોરાજી વિસ્તારમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ફરીથી ઘેડ વિસ્તારના 30 કરતાં વધુ ગામો જળબંબાકાર બન્યા છે.
મીઠા પાણીના સમુદ્રમાં પરિવર્તિત થયો ઘેડ: જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર કે જેમાં કુતિયાણા બાટવા માણાવદર વંથલી કેશોદ અને માંગરોળ તાલુકાના ત્રીસ કરતાં વધુ ગામોનો સમાવેશ થાય છે. આ ગામો આજે અતિ ભારે વરસાદને કારણે મીઠા પાણીના સમુદ્રમાં પરિવર્તિત થતો જોવા મળ્યો છે. ચોમાસાની આ ઋતુમાં સતત બીજી વખત ઘેડમાં વરસાદી પૂરનું પાણી ફરી વડ્યું છે. જેને કારણે આ તમામ ગામોમાં લોકો હજી પણ જીવી રહ્યા છે. સરકારી તંત્ર ગામોમાં પહોંચતું નથી. ગામ લોકો પોતાની કોઠા સુજથી ઘેડમાં આવેલા પુરમાંથી તેમના પરિવાર અને ગામને સુરક્ષિત રાખી રહ્યા છે.
આજે પીવાના ચોખા પાણીની મુશ્કેલી: ઘેડ વિસ્તારના 30 કરતાં વધુ ગામોમાં આજે પીવાનું ચોખ્ખું પાણી મળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જ્યાં નજર પડે ત્યાં એકમાત્ર વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે ઘેડના ગામ લોકો પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે. ચારે તરફ નજર કરો ત્યાં પાણી જ પાણી છે. પરંતુ, આ પાણી પીવા યોગ્ય ન હોવાને કારણે પૂરની સ્થિતિમાં પીવાના પાણીની પણ મુશ્કેલી ઉભી થાય છે. તો બીજી તરફ તમામ ગામોમાં અનાજ, શાકભાજીની અને રાંધણ ગેસની પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. કેટલાક ગામોમાં આજે પણ લોકો આજે પણ ચૂલામાં ભોજન બનાવીને જીવન નિર્વાહન કરતાં હોય છે. એવામાં આ કમર ડુબ પાણીમાં લાકડા કે કોલસાથી ચૂલો સળગાવવો અશક્ય છે. આવી પરિસ્થિતિમાં લોકો મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને પોતાનું જીવન ખુમારીથી જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ખેતીના પાકોને પણ વારંવાર નુકસાની: અઘોષિત આવેલા પૂરને કારણે ઘેડની મોટાભાગની ખેતીલાયક જમીન આજે વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે. જેમાં ખેડૂતોએ ચોમાસુ પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ પાછલા 15 દિવસથી ખેતરની જમીન ત્રણ ફૂટ પાણીમાં ડૂબેલી જોવા મળે છે. જેને કારણે ચોમાસુ પાક લેવો અશક્ય બને છે. ખેડૂતોએ વાવેતર કરેલા બિયારણનો ખર્ચ પણ દર વર્ષે ખેડૂતોને આ જ પ્રકારે કુદરતને હવાલે કરીને નુકસાની સહન કરવાનો વારો આવે છે. રાજ્યની સરકાર પાછલા ઘણા વર્ષોથી પુર બાદ સર્વે કરે છે પરંતુ હજુ સુધી નુકસાનીનું વળતર મળ્યું નથી. જેને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.