મોરબી : મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની બાબત તંત્રને ધ્યાને આવી હતી. આ મામલે કલેકટર દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા, DILR અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મોરબીની કમિટી બનાવી રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો. જે રિપોર્ટ આપવામાં આવ્યો, જેમાં સંસ્થાની જમીનની હદ બહાર બાંધકામ થયાનો ખુલાસો થયો છે.
મચ્છુ પટમાં બાંધકામ : આ અહેવાલ અનુસાર સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ દરમિયાન વોટર બોડીઝથી નિયમોનુસાર અંતર જાળવવામાં આવ્યું નહોતું. મોરબી જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું કે, મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઈ રહેલા બાંધકામ મામલે કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે. જેમાં DILR મોરબીના રિપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયું છે, જે બાંધકામ દુર કરાવવાનું રહે છે.
બાંધકામ દૂર કરવા કાર્યવાહી : ચીફ ઓફિસરના રિપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં નિયમો મુજબ વોટર બોડીઝથી (નદી) નિયમોનુસાર અંતર જાળવવામાં આવ્યું નથી. તેમજ પાલિકા દ્વારા બાંધકામ મંજૂરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવી છે. સંસ્થા જાતે દૂર કરે તે માટે સમજૂતી કરાશે.
સ્વામિનારાયણ સંસ્થાએ શું કહ્યું ? જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું કે, સ્વામિનારાયણ સંસ્થાએ કરેલી પત્રકાર પરિષદમાં મીડિયા મારફત જાણવા મળ્યું છે કે, સંસ્થા પ્રશાસનની સાથે રહેશે અને સૂચનાઓનું પાલન કરશે. સંસ્થાએ કોઈ વિરોધ કર્યો નથી અને પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ કરી નથી. જે બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દૂર કરે તે માટે સમજૂતી કરવામાં આવશે.