ગાંધીનગરઃ હોળીના તહેવાર પર તમામ લોકો પોતાની સોસાયટીમાં મહોલ્લામાં હોળી પ્રગટાવીને આવનારું વર્ષ કેવું રહેશે તેની પ્રાર્થના કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી થાય છે. જેમાં એક મહિના પહેલા જ હોળીની તૈયારીઓની શરૂઆત થાય છે. ત્યારે પાલજની હોળીમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ હાજર હોય છે અને તેઓ તાત્કાલિક આગામી વર્ષ કેવું રહેશે તેની પણ આગાહી કરે છે. ત્યારે આવનારું વર્ષ કેવું છે તે માટે જુઓ ઈટીવી ભારતનો આ વિશેષ અહેવાલ.
સૌથી મોટું હોલીકા દહનઃ ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવાનો શ્રેય પાલજ ગામને જાય છે. હોળીની વિશેષતાઓની વાત કરવામાં આવે તો 30 મીટર ગોળ આંકની ત્રિજ્યામાં આ હોળી તૈયાર કરવામાં આવે છે અને 35 ફૂટ ઊંચી આ હોળી હોય છે. પાલજ ગામના રહેવાસી સંજયસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વરસથી હું અહીં હોળી માતાના દર્શન કરવા માટે આવું છું. અદાજીત 700 વર્ષ જૂની પરંપરા આજે પણ પાલજ ગામ દ્વારા જાળવવામાં આવી છે. લોકો હોય માતાને દર્શન કરી પરિક્રમા કરી માનતા માને છે અને માનતા પૂર્ણ થાય ત્યારે ફરી પાછા દર્શન કરવા માટે અચૂક આવે છે. અને 15 દિવસથી એક મહિના પહેલા જ ગામના યુવાઓને હોળી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.
હોળીના દર્શન કર્યા બાદ રાત્રિના સમયે લોકો હોળીના અંગારા ઉપર ચાલે છે અને લોકોને કોઈપણ પ્રકારની ઈજા કે હાનિક પહોંચતી નથી. લોકો અંગારા પર ખુલ્લા પગે ચાલીને ગામની માતાજી મહાકાળીના દર્શન કરે છે. મહાકાળી માતાજીના આશીર્વાદ હોવાથી લોકોને કોઈપણ પ્રકારની હાનિ થતી નથી. પાલજ -સંજયસિંહ બિહોલા, સ્થાનિક,પાલજ
ચોમાસાની આગાહીઃ પાલજની હોળી પ્રગટાવવામાં આવે ત્યારે અંબાલાલ પટેલ પણ પાલજ ગામમાં હાજર રહે છે. વરસાદની આગાહી કરે છે, ત્યારે આ વખતે હોળી પટાવ્યા બાદ અંબાલાલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતનું ચોમાસું સારું રહેશે. પવન પશ્ચિમનો રહ્યો હતો અને તેનો ઝુકાવ નૈઋત્ય તરફ રહેતા ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. આ વખતે ચોમાસ પહેલા આંધી વંટોળનું પ્રમાણ જોવા મળશે. જ્યારે ચોમાસાની શરૂઆત તોફાન અને શાંતિથી થશે જેથી લોકોથી સાવચેત રહેવાની સૂચના પણ અંબાલાલે આપી છે. આ વખતે વરસાદ તોફાન સાથે આવશે ત્યારે અમુક સમય માટે વરસાદ અનિયમિત પણ થશે. આ વખતે ગરમીનું પ્રમાણ વધુ રહેશે. માર્ચ મહિનામાં 40 - 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના છે. 26 એપ્રિલ પછી ભારે ગરમી પડશે. કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન ઉપર જશે.