સુરત: જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે. આ ખેતીમાં જે પણ આવક થાય એના આધારે આખા વર્ષનું આયોજન કરતા હોય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી સતત વાતવરણમાં આવી રહેલા ફેરફારને લઈને ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પાછોતરો વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને લઈને સૌથી વધુ નુકસાન ડાંગર પકવતા ખેડૂતોને થઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ડાંગરનો પાક હાલ તૈયાર થઈ ગયો છે ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર ડૂબી ગયો છે. ખેડૂતો ડાંગરને ખેતરની બહાર કાઢવા મથામણ કરી રહ્યા છે. માંડ માંડ બહાર કાઢવામાં આવેલ ભીના ડાંગરને સુકવવા માટે ખેડૂતો રસ્તા પર આવી ગયા છે.
કીમ, માંડવી સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખેડૂતો તાડપત્રી નાખી ડાંગર સુકવી રહ્યા છે. જેમ તેમ કરી ડાંગર સૂકવે ત્યાં ફરી વરસાદી ઝાપટું વરસે છે. જેને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ડાંગરમાં ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
વડોલી ગામના ખેડૂત ગૌરવ પ્રજાપતીએ જણાવ્યું હતું કે, "ડાંગરનો પાક ચાર મહિનામાં તૈયાર થઈ જતો હતો. 120 દિવસે ડાંગર પાક તૈયાર થઈ જાય એટલે અમે કાપણી કરી નાખતા હોય છીએ. અમારો ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. જેથી દિવાળીએ કાપણી કરવાનું વિચારતા હતા. પણ એ પહેલાં સતત વરસી રહેલા પાછોતરા વરસાદે અમારું આયોજન વિખેરી નાખ્યું છે. આખું ડાંગર પાણીમાં ડૂબી ગયું છે."
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, "હાલ જેમ જેમ ટ્રેકટર જોડીને ડાંગર બહાર કાઢી રહ્યા છીએ અને ભીનું ડાંગર રોડ પર સૂકવી રહ્યા છીએ. અમને પૂરેપૂરી નુકશાની થઈ રહી છે. ડાંગર ભીનું થઈ ગયું છે જેથી તેને નથી વેપારીઓ લેવા તૈયાર કે નથી મંડળીવાળાઓ. બધા ખરીદવાવાળાઓ એમ કહે છે કે, ડાંગર સૂકું આપો. આથી અમે રોડ પર હાલ ડાંગર સૂકવી રહ્યા છીએ, પરંતુ ડાંગર થોડું ઘણું સુકાઈ ત્યાં પાછો વરસાદ આવે છે."
આ પણ વાંચો: