સુરત: વાંકલ ગામમાં છેલ્લા 10 દિવસથી એક વાંદરાએ હાહાકાર મચાવ્યો હતો. આ તોફાની વાંદરો દરરોજ બે પાંચ લોકો ઉપર હુમલા કરી રહ્યો હતો. વાંદરો એક જૂથ સાથે હતો પરંતુ તે એક જ હતો જે માણસો પર હુમલો કરી રહ્યો હતો. વન વિભાગની ટીમ છેલ્લા ત્રણ દિવસથી આ વાંદરાને પાંજરે પૂરવા મથામણ કરી રહી હતી. વાંકલ રેન્જ વન વિભાગની ટીમે સતત બે દિવસ વાંદરાનો પીછો કર્યો હતો.
લેપર્ડ એમ્બેસેડર ટીમ આવી મદદે: વાંદરાના હુમલાની સંખ્યા વધતાં આખરે વાંકલ તાલુકા પંચાયતના સદસ્ય ડો યુવરાજસિંહ સોનારીયાએ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને આ બાબતે રજૂઆત કરી હતી. જેને પગલે તેમણે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર આનંદ કુમારને સુચના આપી હતી. ત્યારબાદ વન વિભાગે લેપર્ડ એમ્બેસેડર ટીમનો સહયોગ માગતાં કૌશલ મોદી અને રઘુવીરસિંહ ખેર સહિતની ટીમ વહેલી સવારથી જ વાંકલ આવી હતી.
વાંદરાને બેહોશ કરીને પાંજરો પૂર્યો: સભ્યોની ટીમ પહોંચે તે પહેલા જ વાંદરાએ મંદિર ફળિયામાં રહેતા ગિરીશચંદ્ર મહેતા અને સરધરાના સંપતભાઈ ચૌધરી તેમજ બજાર વિસ્તારમાં શાકભાજીની લારી પાસે ઉભેલ અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તેઓને હાથ પગમાં બચકાં ભરી લેતા સારવાર માટે લઈ જવાયા હતા. આ ઘટના બનતાં જ વન વિભાગની ટીમ અને લેપર્ડ એમ્બેસેડરની ટીમના સભ્યોએ બપોરે 12 વાગ્યા સુધી વાંદરાનો પીછો કરી સ્ટેશન વિસ્તારમાં એક ઝાડ પર વાંદરાને ઘેરી લીધો હતો. લેપર્ડ એમ્બેસેડર ટીમના કૌશલ મોદીએ યુક્તિ પ્રયુક્તિ કરી ડાર્ટ ગનથી વાંદરાને બેહોશ કરી દીધો હતો. વાંદરાએ કાબૂ ગુમાવ્યો અને તે જમીન પર પડી ગયો, ત્યારબાદ તેને પાંજરામાં મુકવામાં આવ્યો હતો.
વન્યપ્રાણીઓને હેરાન ન કરવા અપીલ: વાંકલ ગામે તોફાની વાંદરાને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર લેપર્ડ એમ્બેસેડર ટીમના કૌશલ મોદીએ જણાવ્યું હતું કે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું કે વાંદરા સહિતના વન્ય પ્રાણીઓ સાથે માણસોએ ગેરવર્તણુક કરવી નહિ. આપણે તેઓ સાથે સહજીવન જીવતા શીખવું પડશે. કોઈ વાર મનુષ્ય ખલેલ પહોંચાડે અને તેમને પરેશાન કરે ત્યારે નિર્દોષ વન્ય પ્રાણીઓ હુમલાખોર બની જતાં હોય છે. જેથી લોકો પ્રાણીઓ સાથે સારો વર્તાવ કરે એવી અમારી અપીલ છે.