ગાંધીનગર : નરેન્દ્ર મોદી સરકાર ત્રીજીવાર કેન્દ્રની સત્તા મેળવવામાં સફળ થઈ છે. 2024 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે ભાજપને ટેકાની જરૂર પડી છે. ભાજપને 240 બેઠક મળતા તેમને અન્ય પક્ષનો ટેકો લેવો પડશે. પાંચ વર્ષ સુધી NDA સરકાર ચલાવવા માટે ભાજપે સાથી પક્ષોને સાધી રાખવા પડશે. ભાજપને 240 સીટ ઉપરાંત આંધ્રપ્રદેશ તેલુગુ દેશમ પાર્ટીને 16, બિહારની જનતા દળ યુનાઈટેડને 12, શિવસેના સિંઘે જૂથની 7, NCP અજીત પાવર જૂથને 1, LJP ને 5 અને GDS ને 2 સીટ મળી છે.
દિલ્હીમાં સત્તા માટે બેઠક :
ગઈકાલે દિલ્હીમાં NDA ની બેઠક મળી હતી. આ બેઠકમાં નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ સહિત તમામ સાથી પક્ષો હાજર રહેતા ભાજપે રાહતનો શ્વાસ લીધો છે. જોકે તેજસ્વી યાદવ અને નીતીશકુમાર એક જ પ્લેનમાં હોવાથી રાજકીય અટકળોનું બજાર ગરમ થયું હતું. પરંતુ નિતેશકુમાર વડાપ્રધાનની મિટિંગમાં પહોંચતા ઘીના ઠામમાંથી ઘી પડી ગયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપીને ઔપચારિકતા પૂર્ણ કરી છે. નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવી સરકાર શનિવારે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. શપથવિધિ સાથે મંત્રી મંડળની રચના અંગે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. 2014 અને 2019 ની લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમત હોવાથી નરેન્દ્ર મોદી મંત્રી મંડળમાં કોનો સમાવેશ કરવો તે અંગે એક તરફી નિર્ણય લેવાતા હતા.
સાથી પક્ષોનો સહારો :
પરંતુ 2024 લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત મેળવવામાં ભાજપનો પનો ટૂંકો પડ્યો છે. ભાજપની પૂર્ણ બહુમતીને કારણે 10 વર્ષ સુધી દબાયેલા રહેલા નાના પક્ષો અને NDA ના સાથી પક્ષોના જીવમાં જીવ આવ્યો છે. નિતેશકુમાર, ચંદ્રબાબુ નાયડુ, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી સહિતના નેતાઓએ મલાઈદાર ખાતાની માંગણી શરૂ કરી છે. સાથે પક્ષોએ વધુ ખાતાની માંગણી કરતા ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ઓછા મંત્રાલયો આવે તેવી સંભાવના છે.
મંત્રીમંડળમાં ગુજરાતી નેતા કેટલા ?
ભાજપના મંત્રીઓની સંખ્યા ઘટશે તેની સીધી અસર ગુજરાતના સાંસદો પર પડે તેવી સંભાવના છે. નરેન્દ્ર મોદી મંત્રીમંડળ 1 અને નરેન્દ્ર મોદી મંત્રીમંડળ 2 માં ગુજરાતના સાંસદોને સારું એવું પ્રતિનિધિત્વ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, મત્સ્ય ઉદ્યોગ પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલા, વિદેશમંત્રી એસ. જયશંકર જેવા મહત્વના ખાતાઓ ગુજરાતી સાંસદ અને ગુજરાત સાથે સંકળાયેલા સાંસદોને મળ્યા છે.
દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરા પણ મોદી મંત્રીમંડળમાં હતા. આ ત્રણ મંત્રી પૈકી દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે. જ્યારે દેવુસિંહ ચૌહાણ ખેડા સીટ પરથી સંસદ પહોંચવામાં સફળ થયા છે. પરંતુ આ વખતે ગઠબંધન સરકાર હોવાથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મંત્રીઓના પત્તા કપાય તેવી સંભાવના છે. ગુજરાતમાંથી સાત મંત્રીને બદલે ત્રણથી ચાર મંત્રીનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી સંભાવના છે.
પીએમ નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળની વાત કરવામાં આવે તો 2014 થી 2019 સુધી રાજ્યસભા સાંસદ અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા કેબિનેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે લોકસભા સાંસદ મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી અને મનસુખ વસાવાને પણ લાલ લાઇટવાળી ગાડી અને બંગલો મળ્યો હતો.
પરસોત્તમ રૂપાલાની બાદબાકી ?
હાલના મંત્રીઓની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડી શકે છે. કારણ કે ચૂંટણી પહેલા પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે પરસોતમ રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે. અમિત શાહ ગાંધીનગરથી રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતવામાં સફળ થયા છે. અમિત શાહ દાયકાઓથી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ રહ્યા હોવાથી તેમનો મંત્રી મંડળમાં સમાવેશ થશે.
આ ઉપરાંત રાજ્યમાં પાવરફુલ પાટીદાર પોલિટિક્સના પ્રતિનિધિ તરીકે મનસુખ માંડવીયાનો પણ કેબિનેટમાં સમાવેશ થાય તેવી સંભાવના છે. ડિપ્લોમેટ્સ અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એસ. જયશંકરનો પણ કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળ છે.
આદિવાસી સમાજનો ચહેરો કોણ ?
આદિવાસી સમાજ ભાજપની સાથે રહેતા તેમને કેબિનેટમાં સ્થાન મળે તેવી સંભાવના છે. ભૂતકાળમાં પણ જશવંતસિંહ ભાભોર અને મનસુખ વસાવા મોદી કેબિનેટમાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીના બહુ ગાજેલા નેતા ચૈતર વસાવાને હરાવવામાં મનસુખ વસાવા સફળ થયા છે. તેથી મનસુખ વસાવાને ફરીથી મોદી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત નવા આદિવાસી ચહેરાને પણ મંત્રીમંડળની લોટરી લાગી શકે છે. કારણ કે ભૂતકાળમાં અનેકવાર નરેન્દ્ર મોદીએ પ્રથમવાર ચૂંટાયેલા સાંસદોને પણ મંત્રીમંડળમાં તક આપી છે. છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટાઈ આવેલા જસુ રાઠવાનો કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવાની સંભાવના છે.
સી.આર. પાટીલનું પલડું ભારે :
દક્ષિણ ગુજરાતમાંથી સાંસદ દર્શના જરદોશનું પત્તું કપાતા સી.આર. પાટીલ માટે મંત્રીમંડળનો માર્ગ મોકળો થયો છે. સી.આર.પાટીલે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટ અપાવી હતી. લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી પાંચે વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષ પલટુ ઉમેદવારોને જીતાડીને ભાજપને સફળતા અપાવી છે. તેથી સી.આર. પાટીલને ટેક્સટાઇલ ખાતું મળી શકે છે. કારણ કે ભૂતકાળમાં કાશીરામ રાણા કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી હતા. તે ઉપરાંત યુપીએ સરકારમાં શંકરસિંહ વાઘેલા પણ ટેક્સટાઈલ મંત્રી બન્યા હતા. પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમનો કાર્યકાળ પણ ટૂંક સમયમાં પૂર્ણ થાય છે. નવસારી લોકસભા સીટ પરથી સી.આર. પાટીલ ચોથીવાર જીતવામાં સફળ થયા છે. તેમણે ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીતવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. તેથી તેમને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
રાજ્યસભા સાંસદ એસ. જયશંકર અને જે. પી. નડ્ડા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બંને નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જેપી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ પૂર્ણ થાય છે. તેમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભાજપને મળેલા ક્લીન સ્વીપના ઇનામ રૂપે મંત્રી પદ મળી શકે છે.
ગુજરાતનું રાજકારણ : સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ ખૂબ આસાન અને મોટા માર્જિનથી જીતવામાં સફળ થયું છે. દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર અપવાદરૂપ ભરૂચ સીટ પર એક લાખથી ઓછું માર્જિન આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ સીટ પર કોંગ્રેસે સારી ફાઇટ આપી હતી. જ્યારે બનાસકાંઠા સીટ કોંગ્રેસ ભાજપ પાસેથી છીનવવામાં સફળ ગયું છે. તેથી ઉત્તર ગુજરાતમાંથી સાબરકાંઠા, પાટણ, મહેસાણાના સાંસદોને મંત્રીમંડળમાં તક મળી શકે છે. મહિલા તરીકે શોભના બારૈયાને પણ મંત્રીમંડળમાં તક મળી શકે છે. મોદી સરકારની શપથવિધિ થાય ત્યારે જ ખબર પડશે કે ગુજરાતમાંથી મંત્રીમંડળમાં કોનો સમાવેશ થયો અને કોનું પત્તુ કપાયું...