બનાસકાંઠા: જિલ્લાનું પાલનપુર શહેર અત્તર અને ફૂલોની સુગંધ માટે એક સમયે વખણાતુ હતું. સાથે આ નવાબી શહેર પોતાની 700 વર્ષથી વધારે જૂની ઐતિહાસિક મીઠીવાવ માટે પણ એટલું જ જાણીતુ છે. પરંતુ આ ઐતિહાસિક વારસો પુરાતત્વ ખાતાની નબળી કામગીરીને કારણે ધૂળ ખાઈ રહ્યો છે.
2008માં નરેન્દ્ર મોદીએ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી: પાલનપુર શહેરના બહાદુર ગંજ વિસ્તારમાં આવેલી મીઠીવાવ વિશે કહેવાય છે કે, તેમાંથી નવાબી શાસન વખતે સમગ્ર પાલનપુર શહેરને મીઠુ પાણી મળી રહેતુ હતું. અઢારમી સદીની પશ્ચિમ ભિમુખ અને ચાર માળની અને પડથાર ધરાવતી આ વાવ આરસ અને રેતિયા પથ્થરમાંથી બનેલ છે. તેના પ્રવેશ દ્વારને બે ટોડા છે તેમજ અંદર જોવા મળતી પ્રતિમાઓમાં ચતુર્ભુજ ગણેશ ,બ્રમ્હા સાવિત્રી ,અપ્સરાઓ -નૃત્યાંગનાઓ અને શૃંગાર શિલ્પોનો સમાવેશ થતો હતો, પરંતુ હાલ આ મીઠીવાવની કોઈ પણ રીતે કાળજી લેવામાં આવી હોય તેવુ નજરે નથી પડતું.
ત્યાંની કેટલીક મૂર્તિઓ ખંડેર હાલતમાં તો કેટલીક ચોરાઈ ગઈ: આ ઐતિહાસિક મીઠી વાવમાં આસપાસ નજર કરતાં ઠેર-ઠેર કચરો જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીને પગલે વાવમાં રહેલી કોતરણી કામ કરેલી કલાત્મક મૂર્તિઓ કેટલીક ખંડેર હાલતમાં છે તો કેટલીક ચોરાઈ ગઈ છે. હાલના વડાપ્રધાન અને એક સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2008ના રોજ ત્રણ દિવસ સુધી પાલનપુર શહેરની મુલાકાતે હતા, તે દરમિયાન શહેરનાં જુના વારસાઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ તંત્રની ઉદાસીનતાને લઈ આજદિન સુધી કશું થયું નથી.
કેબીસીમાં અમિતાભ બચ્ચને મીઠીવાવનો પ્રશ્ન પૂછ્યો હતો: તમને જણાવી દઈએ કે, દેશનાં સૌથી લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિમાં પ્રશ્ન પૂછાયો હતો જેમાં મીઠીવાવ એક અનમોલ ધરોહર હોવાથી પાલનપુરનાં ફરવા લાયક સ્થળોમાં તેનું નામ લખવામાં આવ્યું હતું પરંતુ, હાલ તો વાવની કેટલીય મૂર્તિઓ ખંડેર અને જર્જરિત બની ગઈ છે તેની દરકાર લેવાનો સમય કોઈની પાસે નથી. સરકાર દ્વારા સ્વછતા અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ ખરેખર આવા ઐતિહાસિક સ્થળો ને જ સ્વછતાની ખૂબ જરૂર છે. પુરાતત્વ વિભાગ કે તંત્ર કુંભકરણની નિદ્રામાં થી જાગીને આવી મીઠીવાવ જેવી અનમોલ ધરોહરને બચાવશે કે પછી બચી ગયેલી ધરોહર ફક્ત ભૂતકાળ બનીને માત્ર નામશેષ રહી જશે.
પાલિકાને ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં રસ નથી: આ અંગે નગરપાલિકા પ્રમુખે જણાવતા કહ્યું હતું કે, હાલમાં તેની જાળવણી અને નિભાવ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે. એટલે કે ખુદ નગરપાલિકા પણ શહેરની અણમોલ ઐતિહાસિક ધરોહરો પ્રત્યે કોઈજ ધ્યાન ન આપી પોતાના તરફથી કોઈ જ પ્રયાસ ન કરતી હોવાનું સ્પષ્ટ જાણી શકાયું છે. જોકે પુરાતત્વ વિભાગ તરફથી પણ હજુ આ ધરોહરને જાળવવા માટે કોઈ જ નક્કર પગલાં ન લેવાયા હોય તેવી હાલતમાં હાલતો આ મીઠીવાવ જોવા મળી રહી છે.
અણમોલ ધરોહરોની જાળવણી આવશ્યક: એક સમયનુ નબાબી શહેર પાલનપુર ઐતિહાસિક ધરોહરોથી શુશોભીત અને ફૂલોની અને અત્તરોથી મહેકતુ હતું, પરંતુ આજે જવાબદાર તંત્રની ઘોર નિષ્ક્રિયતાના લીધે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. ત્યારે શહેરની આવી અણમોલ ધરોહરોની જાળવણી કરી ફરી પાલનપુરની એ જ ઓળખ ઉભી થાય તે દિશામાં તંત્ર કામ કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.