સુરત : સુરતના માંડવીથી અરેથ જતા રસ્તા પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસની અડફેટે એક બાઈક ચાલક આવી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે બસચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જીવલેણ અકસ્માત : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પસાર થતા માંડવીથી અરેઠ જતા રસ્તા પર કસાલ ગામની સીમમાં 53 વર્ષીય આધેડ પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક રાજેશ હળપતિ બસ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
આધેડે જીવ ગુમાવ્યો : આધેડને માથા, ગળા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના 27 વર્ષીય પુત્ર ઋચિતે સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પુત્રએ નોંધાવેલ ફરિયાદના આધારે માંડવી પોલીસે સરકારી બસના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહી : માંડવી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા રમીલાબેન ગામીતે જણાવ્યું હતું કે, સર્જાયેલા અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. પોલીસ દ્વારા બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.