મહેસાણા: ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત... પરંતુ શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત ? શાળાઓના ઓરડા જર્જરિત થઇ સિમેન્ટના પતરા તૂટીને પડે તેવી હાલતવાળા ઓરડાઓમાં ભણશે ગુજરાત ? 1973 ના બાંધકામ વાળી સિમેન્ટના પતરાવાળી શાળામાં 2024માં બાળકો કરશે અભ્યાસ ? આમ, જર્જરિત ઓરડાને ડેમેજ જાહેર કરી અધિકારીઓ જવાબદારીમાંથી છૂટી ગયા પણ નવા ઓરડા કોણ બનાવશે તે પ્રશ્ન ઊભો થયો છે.
મહેસાણા ગોઝારીયાની કન્યા અને કુમારશાળા. શાળાનું કમ્પાઉન્ડ જોતા શાળા મોટી લાગશે અને શાળામાં ઓરડા પણ વધુ દેખાશે, પરંતુ અહીં વધુ દેખાતા ઓરડા બિનઉપયોગી છે. કારણ કે વર્ષો જૂના આ ઓરડા જર્જરિત થઈ જતા ડેમેજ જાહેર કરાયા છે.
ગોજારીયાની કન્યા શાળા: સૌ પહેલા વાત કરીએ ગોજારીયાની કન્યા શાળાની કે જેમાં 333 વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. કન્યા શાળામાં કુલ 14 રૂમ છે, જેમાંથી 8 રૂમ તો ડેમેજ જાહેર કરવામાં આવ્યા છે એટલે કે બાકીના 6 રૂમમાં 333 વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે. પરિણામે શાળા બે પાલીમાં ચલાવાઇ રહી છે. સવારે ધોરણ 1 થી 5 ધોરણની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને બપોરે ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરાવાય છે. આ સમગ્ર મામલે પ્રિન્સિપાલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, નવા ઓરડાની માંગણી કરવામાં આવી છે જે મંજુર થયા બાદ જુના ઓરડા ઉતારી નવા ઓરડા બનાવવામાં આવશે, ત્યાં સુધી શાળાને બે પાળીમાં અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે.

ગોઝારીયાની કુમાર શાળા: તો બીજી તરફ હવે વાત કરીએ ગોઝારીયાની કુમાર શાળાની વાત કરીએ તો, કુમાર શાળામાં પણ સિમેન્ટના પતરાવાળા 16 ઓરડા છે. આ 16 ઓરડા પૈકી 11 ઓરડાને 2021 થી ડેમેજ સર્ટી આપી ડેમેજ જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 5 ઓરડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. કુમાર શાળામાં 195 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે, 195 વિદ્યાર્થીઓને 5 ઓરડામાં અભ્યાસ કરાવવો મુશ્કેલ હોવાથી કુમારશાળામાં પણ બે પાળીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. સવારે ધોરણ 1 થી 5 અને બપોરે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અહીં પણ 2021 થી અત્યાર સુધી નવા ઓરડાની માંગણી તો કરાઈ છે, પરંતુ મંજૂર થયા નથી જેને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે.

સરકારમાંથી ઓરડા મળે તો ઓરડા બને: આમ, બંને શાળાઓમાં 2021 થી ડેમેજ ઓરડાઓ બંધ કરવામાં આવ્યા છે. બાકીના ઓરડાઓમાં બે પાલીમાં અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા તેઓએ પણ જણાવ્યું કે, "નવા ઓરડા માંગણી થઈ છે, પરંતુ સરકારમાંથી ઓરડા મળે તો ઓરડા બને. શાળાના આચાર્ય હોય, શિક્ષકો હોય કે શિક્ષણાધિકારી, એમને તો બાળકોને નવા ઓરડામાં બેસાડી ભણાવવા છે પણ નવા ઓરડા મળે તો ને ?"


સરકાર સત્વરે નવા ઓરડા મંજૂર કરે છે કે પછી જૈસે થે: આમ, 1973 માં અભ્યાસ કરી ચૂકેલા અને હાલના 2024 ના વાલીઓ પોતાના બાળકોની આ જર્જરિત શાળાના ઓરડાઓ મુદ્દે રજૂઆતો કરી કરી ને થાક્યા પણ નવા ઓરડા મંજૂર થયા નથી. આખરે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સિમેન્ટના પતરા વાળા ઓરડાઓમાં બેસીને બાકી વાઘેલા જૂના ઓરડાઓમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. હવે જોવું એ રહ્યું કે, સરકાર સત્વરે નવા ઓરડા મંજૂર કરે છે કે પછી જૈસે થે... !

આ પણ વાંચો: