મહેસાણાઃ મહેસાણાના વિજાપુર ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં વિજાપુર, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખુલ્લી જીપમાં સવાર થઈને મંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.
ઋષિકેશ પટેલે 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, વીર સાવરકર જેવા અસંખ્ય વીરો અને વીરાંગનાઓએ બલિદાન આપ્યા છે. ભગતસિંહ, સુખદેવ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ સહિત કેટલાય યુવાનોએ હસતા હસતા શહીદી વ્હોરી હતી. આવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું.