મહેસાણા : કડી નજીક ભેખડ ધસાવાથી 9 શ્રમિકોના મોતના કેસમાં ત્રણ જવાબદાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. લેબર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની બેદરકારીના કારણે 9 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ શ્રમિકોને કામ કરવા સમયે કોઈપણ સુરક્ષા આપવામાં આવી નહોતી. જેના પગલે નોંધાયેલ ફરિયાદ મુજબ ત્રણેયની કડી પોલીસે ધરપકડ કરી છે.
ભેખડ ધસી પડતા 9 મજૂરોના મોત : મહેસાણામાં કડીના જાસલપુર નજીક ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડવાથી 9 મજૂરોના મોત થયા હતા. આ કેસમાં જવાબદાર 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. કડીના જાસલપુરની સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં ઘટના બની હતી. ત્યાં 10 શ્રમિકમાંથી બચી ગયેલા 19 વર્ષીય વિનોદ વસૈયા ફરિયાદી બન્યા છે. જે ઘટનાના કુલ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
ત્રણ જવાબદારની ધરપકડ : કડી પોલીસે કોન્ટાકટર જયેશભાઈ કાન્તિલાલ દોશી, એન્જિનિયર કૌશિકભાઈ પરમાર અને લેબર કોન્ટ્રાક્ટ દિનેશભાઇ સમુભાઈ ભુરિયાની ધરપકડ કરી લીધી છે. ફરિયાદમાં આ ત્રણેયએ ભેગા મળી બેદરકારી રાખ્યાનો ઉલ્લેખ કરાયો છે. ફરીયાદી અને મરણ જનાર 9 મજૂરોને કોઇપણ જાતના સલામતીના સાધનો આપ્યા નહોતા.
બેદરકારી દાખવી, ફરિયાદ નોંધાઈ : ખાડાની માટી ધસી ન પડે તે માટે કોઇ ટેકા કે પાલખ બાધ્યા નહોતા. ખાડામા ચણતરનું કામ કરવાથી માટીની ભેખડ ધસી પડવાની શક્યતા હતી. મજૂરોના મોત થવાની શક્યતા હોવાનું જાણતા હોવા છતાં મજૂરોને ખાડામા ચણતર કરવા સારુ ઉતાર્યા હતા. દરમિયાન માટીની ભેખડ ધસી પડતા કુલ 9 મજૂરોના મોત નીપજ્યા હતા. બેદરકારી દાખવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ હતી.