જૂનાગઢ: લોકસભાની ચૂંટણીનો માહોલ શરૂ થયો છે તેની વચ્ચે આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જુનાગઢ લોકસભા બેઠક પરના પ્રભારી અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં વિક્રમ માડમે જૂનાગઢ બેઠક પરના અગ્રણી કાર્યકરોના મંતવ્યો જાણીને લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક કઈ રીતે જીતી શકાય તે માટે કાર્યકરો સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. જેમાં જૂનાગઢ માંગરોળના પૂર્વ ધારાસભ્યની સાથે તાલુકાના પ્રમુખ અને અગ્રણી કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
વિક્રમ માડમે કાર્યકરોમાં ભર્યો જોશ
જૂનાગઢ લોકસભા બેઠકના પ્રભારી અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમ ચૂંટણીલક્ષી લડાયક નીતિમાં ખૂબ જ માહિર માનવામાં આવે છે. જેથી તેની જૂનાગઢ લોકસભા બેઠકના પ્રભારી તરીકે કોંગ્રેસ હાઈકમાન્ડે નિમણૂક કરી છે. વિક્રમ માડમ જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને ખૂબ જ આશાવાદી જોવા મળી રહ્યા છે. ભાજપની ધાર્મિક નીતિ અને તોડજોડની રણનીતિ સામે કોંગ્રેસ લોકોને સ્પર્શતા મુદ્દાઓ બેકારી બેરોજગારી મોંઘવારી સહિત ખેડૂત અને સામાન્ય વર્ગને જે મુશ્કેલી પડી રહી છે તેને મતદારો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટેનું ગુરુ જ્ઞાન આજે કોંગ્રેસના કાર્યકરોને આપ્યુ હતું. વિક્રમ માડમે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે માત્ર ચૂંટણી લડવા માટે નથી આવ્યા ચૂંટણી જીતીવી એ અમારું એકમાત્ર લક્ષ્ય છે. આગામી દિવસોમાં જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ ચૂંટણીલક્ષી રણનીતિઓમાં બદલાવ કરીને ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ જૂનાગઢ લોકસભા બેઠક જીતવાને લઈને જુસ્સા સાથે આગળ વધશે ભાજપની એક તરફી શાસનની નીતિ સામે અમારી વિચારધારાની લડાઈ લોકસભાની ચૂંટણીમાં મક્કમ અને મજબૂતાઈથી ભાજપ સામે ઉભી રહેશે.
નશીલા પદાર્થોને લઈને આપ્યું નિવેદન
જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી વિક્રમ માડમે નસીલા પદાર્થોને લઈને પણ રાજ્યની સરકાર પર પ્રહારો કર્યા હતા રાજ્યમાં નશીલા પદાર્થો ખુલ્લેઆમ આવી રહ્યા છે. જેને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે રાજ્યની સરકાર નસીલા પદાર્થોને રોકવામાં નિષ્ફળ રહી છે. કોઈ પણ વ્યક્તિને જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરશે તેને જીતાડવાની જવાબદારી પાર્ટીના સૌ કાર્યકરો સામૂહિક રીતે ઉઠાવશે. વિસાવદર વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી આવી રહી છે તેના પર પણ પાર્ટી જે કંઈ પણ અંતિમ નિર્ણય કરે તે મુજબ કોંગ્રેસ પાર્ટીનો પ્રત્યેક કાર્યકર જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આજથી કામ પર લાગી જશે.