જૂનાગઢ: "સુપર હીરો, રીયલ હીરો જે પણ કઈ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી છે." આ શબ્દ છે જૂનાગઢના સંગ્રાહકર્તા ડો. યુસુફ ખાન તુર્કના જેમણે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી અનેક યાદોને ટપાલ સામગ્રીના સ્વરૂપમાં સંગ્રહ કરીને રાખેલી છે. તેમની પાસે 87 જેટલા દેશોએ ગાંધીજીના નામે બહાર પડેલા ટપાલનો સંગ્રહ છે. અને આ બધા ટપાલને સાચવીને તેઓ ગાંધીજીની યાદોને જીવંત રાખી રહ્યા છે.
87 દેશોએ ગાંધીજીના નામના ટપાલ બહાર પાડી: સંગ્રહકર્તા ડો. યુસુફ ખાન તર્ક છેલ્લા ચાલીસ વર્ષથી ગાંધીજીની આ ટપાલ સામગ્રીને સાચવી રહ્યા છે. તેમની પાસે ટપાલ ટિકિટનો એક અદભુત સંગ્રહ જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને તેમની પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટા સાથે વિશ્વના દેશોએ પ્રસિદ્ધ કરેલી ટપાલ સામગ્રીનો બે અદભુત નમૂન વારસો છે. આજે તેમની પાસે વિશ્વના 87 દેશોએ અલગ-અલગ સમયે અને તારીખે બહાર પાડેલી ટિકિટો, કવરો ફર્સ્ટ ડે કવર, મિનિચ્યુઅર શીટ સહિત ટપાલને લગતી અનેક સામગ્રી કે જેમાં ગાંધીજીને એકમાત્ર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેવો ખજાનો છે. તેઓ કહે છે કે,વિશ્વમાં પોતાની છાપ છોડતો ગાંધીજીનો આ વારસો ટપાલના રૂપમાં તેમની પાસે સંગ્રહ થયેલો છે.
બ્રિટનનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ: આટલું જ નહિ પણ જૂનાગઢના આ સંગ્રાહકર્તા પાસે પાત્ર સામગ્રી જ નથી પણ આપણને નથી ખબર એવી ઘારી બાબતોની જાણ પણ છે. તેઓએ જણાવ્યું કે, ભારત પર 200 વર્ષ સુધી શાસન કર્યું તેવા બ્રિટિશરો પણ આજે ગાંધીજીના અસ્તિત્વને પ્રાધાન્ય આપે છે. બ્રિટને સર્વપ્રથમ 1964માં ફર્સ્ટ ડે કવર બહાર પડ્યું હતું. જેના કેન્દ્રસ્થાને એકમાત્ર ગાંધીજી હતા. તો બ્રિટન દ્વારા એક ડોલરનો અસલ ચાંદીનો સિક્કો પ્રસિદ્ધ કરાયો છે. જેમાં બ્રિટનની સરકારે હિસ્ટ્રી ઓફ એશિયા અંકિત કર્યું છે. ગાંધીજી પર વિશ્વના 103 દેશો કરતા પણ વધુ દેશોએ ટપાલ ટિકિટો ફર્સ્ટ ડે કવર મિનિચ્યુઅર શીટ અને સામાન્ય કવરો પ્રસિદ્ધ કરીને આ માનવને વિશ્વના વારસા તરીકે મહત્વ આપ્યું છે.
અફઘાનિસ્તાન પણ ગાંધીજીના અસ્તિત્વને સ્વીકારે: વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, સતત યુદ્ધ માટે તૈયાર અફઘાનિસ્તાન પણ ગાંધીજીના અસ્તિત્વને સ્વીકારી રહ્યું છે. તેમણે પણ તેમના દેશની ટિકિટમાં એકમાત્ર ગાંધીજીને પ્રાધાન્ય આપ્યું છે. આ સિવાય આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને એશિયા ખંડના અનેક દેશોએ મહાત્મા ગાંધીના અસ્તિત્વને વિશ્વના વારસા રૂપે સ્વીકારીને તેમના દેશોની ટપાલ સામગ્રીમાં મહાત્મા ગાંધીને એકમાત્ર કેન્દ્ર સ્થાને રાખવાના આવ્યા છે. ઉપરાંત ગાંધીજી દ્વારા થયેલા કાર્યો અને તેમના ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ વિશ્વના અનેક દેશો આજે પણ કરી રહ્યા છે.