સુરત: 6 વર્ષના યતિને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરે કે આ માસૂમ ચહેરો ભલભલા લોકોને પણ પડકાર આપી શકે છે. માસૂમ ચહેરા અને નાની ઉંમરના આ છોકરાને જોઈને કોઈ અંદાજો નહીં લગાવે કે માત્ર 6 વર્ષની ઉંમરે તે 80 કિલો વજન ઉપાડી શકે છે. આપને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ગુજરાતના લિટલ પાવર લિફ્ટરે લોકોને ચોંકાવી દીધા છે. યતિ જેઠવાની ઉંમર ભલે 6 વર્ષની હોય પરંતુ અત્યાર સુધીમાં તેણે પાવર લિફ્ટિંગ અને વેઈટ લિફ્ટિંગમાં 17થી વધુ મેડલ જીત્યા છે. યતિ ધોરણ 1 માં અભ્યાસ કરે છે, તેના માતા-પિતા શિક્ષક અને જિમ ટ્રેનર છે.
યતિના પિતા રવિ જેઠવાએ જણાવ્યું કે જ્યારે તે 2 વર્ષનો હતો ત્યારે તે તેને જીમમાં લઈ જતો હતો ત્યારે અચાનક જ યતિને જીમમાં પડેલી પાવરલિફ્ટિંગ સામગ્રીમાં રસ પડ્યો. તેની રુચિ જોઈને, મે ધીમે ધીમે તેને પાવરલિફ્ટિંગની તાલીમ આપવાનું શરૂ કર્યું. અગાઉ મને ખ્યાલ નહોતો કે તે આટલું સારું કરી શકે છે. આજે તેની ઉંમર 6 વર્ષની છે અને તેનું વજન 27 કિલો છે. પરંતુ જ્યારે પણ તે કોઈપણ ટૂર્નામેન્ટમાં જાય છે, ત્યારે તેને જોઈને સારા-સારા પાવરલિફ્ટર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. યતિ 80 કિલો વજન સરળતાથી ઉપાડી શકે છે.
દરરોજ 2 કલાક જીમમાં ટ્રેનિંગ કરે: યતિના પિતાએ વધુમાં કહ્યું કે, તે શુદ્ધ શાકાહારી છે. કહેવાય છે કે નાની ઉંમરમાં પાવર લિફ્ટિંગ કરવાથી ઊંચાઈ નથી વધતી પણ એવું નથી.જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો બધું જ શક્ય છે. મને લાગે છે કે મારો દીકરો એક મહાન વેઇટલિફ્ટર બનશે. તે દરરોજ 2 કલાક જીમમાં ટ્રેનિંગ કરે છે. તેની ઉંમર પ્રમાણે તે 9મી કેટેગરીમાં આવે છે, પરંતુ તે એટલું વજન ઉપાડે છે કે તેની સામે કોઈ ટકી ન શકે.
ડાયટની કાળજી લે છે: યતિએ જણાવ્યું કે તેને પાવરલિફ્ટિંગ ખૂબ જ ગમે છે, તે સ્કૂલેથી આવ્યા બાદ દરરોજ 2 કલાક પાવરલિફ્ટિંગ કરે છે, અને તેના ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. જ્યારે તે મોટો થશે ત્યારે તે ફેમસ પાવરલિફ્ટર બનવા માંગે છે.