પોરબંદરઃ લોકસભાની ચૂંટણી 2024માં પોરબંદર લોકસભાની બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા સામે ભાજપના ડો મનસુખ માંડવિયા વિજેતા બન્યા હતા. માંડવિયાને 3 લાખ મતોની લીડ મળી હતી. આ સિદ્ધિ બદલ મનસુખ માંડવિયાની ભારત સરકારના પ્રધાનમંડળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.
શુભેચ્છાઓનો વરસાદઃ મનસુખ માંડવિયાએ લોકસભા ચૂંટણી 2024માં પોરબંદર બેઠક પરથી ભવ્ય જીત મેળવી છે. તેમજ તેમના કાર્યપ્રદાનને ધ્યાને રાખી તેમની ભારત સરકારના પ્રધાનમંડળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઘટના બદલ મનસુખ માંડવિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલે મનસુખભાઈ માંડવિયાને શુભેચ્છાઓ પાઠવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ પણ મનસુખ માંડવિયાને શુભેચ્છાઓ પાઠવી છે.
લોકસભા ચૂંટણી 2024માં ભવ્ય વિજયઃ મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનું શાસન યથાવત રાખ્યું છે. પોરબંદર લોકસભા બેઠક પર 51.83 ટકા મતદાન થયું હતું. મનસુખ માંડવિયાએ 6,33,118 મત મેળવી 3,83,360 લીડ સાથે જીત મેળવી છે. સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 2,49,758 મત મળ્યા છે. સાથે જ નોટામાં 13,563 મત પડ્યા હતા.