સુરત: સુરતના માંગરોળના મોસાલી ગામની શેહનાઝ રંદેરાએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામના ઇબ્રાહીમ યાકુબ બાણવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અને મુસ્લિમ સમાજ અને પરિવારજનોએ પતિ પત્ની તરીકેની સ્વીકૃતિ આપતા બંને સાથે રહેતા હતા. થોડા સમય બાદ પત્ની શેહનાઝને પતિ દ્વારા મારઝુડ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમને એક પુત્ર હતો.
દહેજ પેટે 5 લાખની માંગ: પરંતુ પતિ અને તેના પરિવારજનોએ દહેજ પેટે 5 લાખની માગણી કરી હતી. આ રકમ આપતા પતિ ઈબ્રાહીમ વર્ષ 2016 માં વિદેશ જતો રહ્યો હતો અને તલાક આપવાની પતિ સ્પષ્ટ ના પાડતો હતો. પત્નીને મારી નાંખવાની ધમકી ફોન પર વારંવાર આપતો હતો.
શરિયતના રિવાજ હેઠળ લગ્ન તોડ્યા: ત્યારબાદ નિસહાય બનેલી શહેનાઝે આખરે માંગરોળના એડવોકેટ સોહેલ નૂર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી. અને તલાક માટે માંગરોળ કોર્ટમાં પતિ વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતા ત્રણ વર્ષથી વધુ સમય માટે વૈવાહિક લગ્ન જીવનની જવાબદારીઓ નિભાવવામાં પતિ નિષ્ફળ રહ્યા હોવાનું ફલિત થતા માંગરોળ પ્રિન્સિપલ કોર્ટના નામદાર જજ જે.એસ.પરમારે લગ્નને મુસ્લિમ ધર્મ અને શરિયતના રિવાજ હેઠળ તોડી નાખતો ચુકાદો આપ્યો હતો.
દેશ વિદેશમાં બદનામ કરવાનું કૃત્ય: મહિલાના વકીલ સોહેલ નુર એ જણાવ્યું હતું કે જિલ્લા અને રાજ્યમાં મુસ્લિમ સમાજના પ્રથમ કિસ્સો છે આ ચુકાદો તલાક માટે લડતી અન્ય મુસ્લિમ સમાજની મહિલાઓ માટે દાખલા રૂપ બનશે. જોકે, આ કેસ લડતા ઘણા પડકારોનો સામનો કર્યો, કારણ કે, મુસ્લિમ સમાજ દ્વારા મને વ્યક્તિગત બદનામ કરવામાં આવ્યો. ખોટા આક્ષેપો કરવામાં આવ્યા અને વોઈસ મેસેજ વાયરલ કરવામાં આવ્યા. દેશ વિદેશમાં બદનામ કરવાનું કૃત્ય થયું છે.