ભાવનગર : ફળોના રાજા એટલે કેરી જેનું આગમન એપ્રિલના પ્રારંભમાં થાય છે અને એપ્રિલના મધ્યમાં ફૂલ બહારમાં આવક વધતી હોય છે. શરૂઆતમાં ભાવ પણ ઉચ્ચ હોઈ જે આવક વધતા ગરીબના મોંઢે પહોચે તેટલા થઈ જતા હોય છે. પરંતુ આ વર્ષે કેરીના પાક ઉપર થયેલી અસરથી મધ્યમ કે ગરીબ વર્ગને કેરીનો સ્વાદ મોંઘો અને ઓછો માણવા મળે તો નવાઈ નહી. ભાવનગરમાં કેરીના ભાવ શરૂઆતમાં અને હવે મોસમના બગડેલા મિજાજ વચ્ચે ક્યાં પહોચ્યા છે. ચાલો જાણીએ.
કેરીનું ઉત્પાદન અને અંદાજીત ખર્ચ : ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન જિલ્લાના દરિયાઈ પટ્ટીના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં છે. ભાવનગરના અલંગના સોસિયાની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કેરીની આંબાવાડી ખેડૂતો ઇજારા ઉપર આપે છે અને ખેતમજૂરી કરનાર કે અન્ય ખેડૂતો નક્કી કરેલી કિંમતે ઇજારા ઉપર આંબાવાડી ઇજારા ઉપર લેતા હોય છે. ખેડૂત વર્ગમાંથી જાણવા મળ્યું હતું કે એક આંબા પાછળ ખાતર અને દવાને લઈને 2 થી 2500 જેવો ખર્ચ આવે છે. ત્યારે એક આંબામાંથી કેરીનું ઉત્પાદન તેનાથી વધુ ના થાય તો માથે પડે છે.
એપ્રિલના પ્રારંભમાં ભાવ સૌથી ઊંચા રહ્યા તો મોસમ બગડતા ઉતર્યા : ભાવનગર જિલ્લામાંથી આવતી કેરીઓ શહેરની મુખ્ય શાકમાર્કેટમાં આવેલા ફળોની દુકાનોને ત્યાં હરરાજી કરાય છે. ત્યારે ખેડૂત રવજીભાઈ દાઠાવાળાએ જણાવ્યું હતું કે આ વખતે ઉતારામાં બહુ ઓછું છે પુષ્કળ ઓછું છે.જે આવ્યું ઇ રહ્યું નથી ખરી ગયું છે કમોસમી વરસાદના કારણે. ખેડૂતે જે કેરી રાખી છે એને કોઈ ઇજારાના પૈસા પણ નથી થાય એવું. 70 નુકશાની જેવું દેખાય છે. કેરી સારી હોય તો ભાવ મળે છે બાકી મીડીયમ હોય તેના 1500 આસપાસ ભાવ મળી રહે છે. શરૂઆતમાં 5 હજાર જેવા એ વન કેરીના હતાં. જે થોડા સમય રહ્યા છે. માવઠાની આગાહી છે તેના કારણે ખેડૂતો ચિંતિત છે.
આગામી દિવસોમાં માવઠાથી કેરીના ભાવ અને આવક : ભાવનગર શહેરને છૂટક બજારમાં શરૂઆતમાં કેસર કેરીના આગમનને પગલે ભાવ 250 થી 300 રૂપિયા કિલો રહ્યા હતા. પરંતુ કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ગુણવત્તા નહીં હોવાને પગલે ભાવમાં ઘટાડો થયો અને હવે 200 થી 250 વચ્ચે કિલો કેસર કેરી છૂટક વહેંચાઈ રહી છે. તેવામાં પણ આગામી દિવસોમાં માવઠાની આગાહી હોવાને પગલે ઓછી આવક વચ્ચે કેરીના ભાવ ગગડવાની પણ શક્યતાઓ રહેલી છે. પરંતુ જોવાનું એ રહેશે કે આ વર્ષે કેરીના સૌથી ઓછા ઉત્પાદન વચ્ચે તેનો સ્વાદ કેટલા લોકો માણી શકે છે. ખેડૂતોને અત્યારથી માવઠાના ડરે વધેલા ફાલમાં પણ કમાવવાને બદલે નુકશાની દેખાઈ રહી છે.