મહીસાગર : દેશના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે, તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ મહીસાગર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
ગુજરાતમાં અવ્વલ : માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિલય કસ્બાદે જણાવ્યું કે, માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ અંતર્ગત 94 માર્ક્સ મળ્યા છે અને ફૂલ્લી સર્ટિફાઇડ થયેલ છે. આ કામગીરીમાં જિલ્લા અને તાલુકા કક્ષાએથી તમામ અધિકારીઓ સ્ટાફ દ્વારા ખૂબ સહયોગ મળ્યો છે. 2021 થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ નવા મકાનમાં કાર્યરત છે. જેમાં OPD, IPD, ડિલિવરીની લગતી તમામ ઈમરજન્સી સેવાઓ કાર્યરત છે.
માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર : અહીંયા વાર્ષિક 1500 જેટલી OPD થાય છે અને 800 થી 700 જેટલી IPD થાય છે. સાથે જ 50 થી 100 જેટલી પ્રસુતિ થાય છે. અહીંયા નિયમિત રીતે રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે. ઉપરાંત તમામ ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદાજિત 23,000 જેટલી વસ્તી આવેલી છે, જેમાં સાત પંચાયતો અને 24 ગામ સમાવિષ્ટ છે.
શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા : માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ અંતર્ગત છ ડિપાર્ટમેન્ટમાં 90 થી વધારે માર્ક્સ મળ્યા છે, જે મહીસાગર જિલ્લાના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ માર્ક્સ છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 ગામના 23 હજારથી વધુ લોકોને આરોગ્ય સેવા પૂરી કરવામાં આવે છે.
વિવિધ વિભાગોનું મૂલ્યાંકન : માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓફિસિયલ ટીમ દ્વારા OPD, IPD, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તપાસી અને 94 માર્કસ આપવામાં આવ્યા હતા. આ એસેસમેન્ટ દરમિયાન સેવાની જોગવાઈ, દર્દીના અધિકારો, ઇનપુટ, સહાયક સેવા, ક્લિનિકલ સંભાળ, ચેપ નિવારણ, ગુણવત્તાની વ્યવસ્થા, આઉટપુટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી.
અનેક એવોર્ડથી નવાજિત : માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2016-2017, ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2017-2018, મેગા રક્તદાન કેમ્પ આયોજક એવોર્ડ-2018, બેસ્ટ મેડિકલ ઓફિસર એવોર્ડ-2019, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ (નવી દિલ્હી)-2020, કાયાકલ્પ એવોર્ડ-2021, કોરોના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ-2022, મેગા રક્તદાન કેમ્પ આયોજક એવોર્ડ-2022 પ્રાપ્ત થયા છે.
લાભાર્થીઓની પ્રતિક્રિયા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે સારવાર લઈ રહેલા વણકર વિપુલકુમાર જણાવે છે કે, હું અને મારો પરિવાર ઘણા સમયથી આ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહ્યા છીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો તે ગૌરવની વાત છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાથી લઈ અત્યાર સુધી આરોગ્યની સુવિધામાં ઉત્તમ કામગીરી કરી છે.