જૂનાગઢ: મહાશિવરાત્રીના પાવન પર્વે આજે વહેલી સવારેથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં શિવ ભક્તોની ભારે ભીડથી ચિક્કાર જોવા મળી રહ્યું છે. આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન અને શાહી સવારીના દર્શન કરવા માટે ભવનાથ આવી રહ્યા છે. હૈયે હૈયું દળાય તે પ્રકારની ખીચોખીચ માનવ મેદની ભવનાથ તરફ આવી રહી છે. આજે ભવનાથના મેળામાં નાગા સન્યાસીઓની શાહી રવેડી બાદ મહાશિવરાત્રીનું આ મહાપર્વ વિધિવત રીતે સંપન્ન થશે.
દેવાધિદેવ મહાદેવના લગ્નની શાહી સવારી: સમગ્ર દેશમાં એકમાત્ર જૂનાગઢ અને ગિરનારની તળેટીમાં દેવાધિદેવ મહાદેવના લગ્નની શાહી સવારી આદિ અનાદિકાળથી નીકળતી આવે છે. ત્યારે મહાદેવના આ વિવાહ પ્રસંગે નાગા સન્યાસીઓ દ્વારા કાઢવામાં આવતી રવેડીના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો જોવા મળે છે. આજે દિવસ દરમિયાન હર હર મહાદેવ અને જય ભવનાથના ગગનભેદી નાદ સાથે ગિરનારની તળેટી પણ ગુંજી ઉઠશે. પાંચ દિવસના મહા શિવરાત્રી મેળાનું આજે વિધિવત રીતે મધ્યરાત્રીએ સમાપન થવા પણ જઈ રહ્યું છે. ત્યારે આજે શિવરાત્રી જેવા અતિ મહત્વના ધાર્મિક ઉત્સવને લઈને પણ દિવસ દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા છે. મહાદેવને વિવિધ શણગાર પૂજા અને અભિષેક સાથે આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનુ આયોજન ભવનાથ મહાદેવ મંદિર પરિસરમા કરવામાં આવ્યું છે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી મેળામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમની સુરક્ષાને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ સહિત સોમનાથ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર પોલીસને પણ બોલાવવામાં આવે છે. ઉપરાંત આ વર્ષે મહા શિવરાત્રીના મેળાનું મોનિટરિંગ CCTV કેમેરા મારફત કરવામાં આવે, જ્યાં વહીવટી તંત્રને ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ શકે તેવા સ્થળો પર ડ્રોન કેમેરા મારફતે મેળાની સુરક્ષા કરવામાં આવે તેવું સૂચન ભવનાથના સાધુ-સંતોએ કર્યું છે.