અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 35 કિલોમીટરની દૂરી પર મહાકાળી માનું એક એવું સ્થાનક આવેલું છે જ્યાં 3 થી 4 વીઘામાં ફેલાયેલો એવો વડ આવેલો છે. દૂર - દૂરથી આ વિશાળકાય વડને જોવા તો કેટલાક મહાકાળીમાં આસ્થાના કારણે રોજ- બરોજ અહીંની મુલાકાત લે છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 600 વર્ષ જુનો વડ આવેલો છે. આ વડ મહાકાળીના વડ તરીકે પણ ઓળખાય છે. છેલ્લા 12 વર્ષથી તે સ્થાનકના પૂજારી બિપિનગીરી બાપુ જણાવે છે કે, વડ 3 થી 4 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાળીનું મંદિર પણ આવેલું છે. માન્યતા એવી પણ છે કે મહાકાળી સ્વયંભૂ અહીં અવતરેલા છે.
વડ માટે ખેડૂતો લાખોની કિંમતની પણ જમીન પણ જતી કરે છે
બિપિનગીરી બાપુ વાત કરે છે કે, વડ દર વર્ષે 3 થી 4 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડૂતોની જમીન આવેલી છે. વડ તેમના ખેતરોમાં ફેલાય છે પણ કોઈ ખેડૂત કોઈ દિવસ વડને કાપવાનું તો દૂર વડનું પાન તોડવાનું પણ નથી વિચારતું. કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને નુકસાન પહોંચે છે તેવું મનાય છે. જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને નુકસાન કરવાની હિંમત કરતો નથી. તેથી જ આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને નુકસાન નથી કરતા.
નોંધનીય બાબત એ છે કે, જમીન પણ ફળદ્રુપ અને ખેતી માટે અતિ ઉત્તમ છે ત્યારે સ્થાનિકો જણાવે છે કે, અહીં એક વિધાના 50 થી 60 લાખ સુધીના ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન પણ જતી કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી હતી
વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ મંદિરે દર્શન માટે આવ્યા હતા. વડાપ્રધાને વડની આસપાસ વિકાસ માટે 4 કરોડ રૂપિયાની જહેરાત કરી હતી. પરંતુ હજી સુધી તે પ્રમાણેનું કોઈ કામ થયું હોય તેવું દ્રશ્યમાન નથી. છતાં સ્થાનિકોની માંગણી છે કે, વડના આસપાસ વિકાસ થાય તો પ્રવાસીની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિકોને રોજગારી મળે.
ત્યારે મંદિરના પૂજારી બિપિન ગીરીબાપુ જણાવે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અહીં આવ્યા હતા અને મહાકાળીના આશીર્વાદથી જ તેઓ દિલ્હીની ગાદી પર બેઠા છે.
વડની વિશેષતા:
- વડ 3 થી 4 વીઘામાં પથરાયેલો અને 40 મીટર જેટલો ઊંચો છે
- આ વડ અંદાજિત 600 વર્ષ જૂનો છે.
- ગુજરાતમાં બીજા નંબરનો સૌથી મોટો વડ છે પહેલા નંબર પર કબીર વડ આવે છે જે 2.5 એકરમાં ફેલાયેલ છે
- ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી
એક વડથી 20 થી 25 પરિવારોના ઘર ચાલે છે
આ વડનું માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે 20 થી 25 જેટલા પરિવારોના ઘર ચાલે છે. કેમકે આ વડની આજુબાજુ 20 થી 25 જેટલી નાની મોટી દુકાનો અને પાથરણા આવેલા છે જેના થકી આ લોકોને રોજગારી મળી રહે છે અને તેમનું જીવન ગુજરાન ચાલે છે.
લોકોની આસ્થા :
ત્યાં દર્શન અર્થે આવેલા બિપિન ઠાકોર વાત કરે છે કે તેઓ ત્રીજી ચોથી વખત અહીં આવ્યા છે પરિસ્થિતિ થોડી ખરાબ હતી ત્યારે તેમણે માતાજીના આસ્થા બતાવીને ત્યાં બાધા રાખી હતી ત્યાર બાદ તેમના જીવનમાં ખુશહાલી છે.
ત્યારે તેવા જ કલોલથી દર્શન માટે આવેલ સવિતાબેન જણાવે છે કે છેલ્લા કેટલા વર્ષોથી હું અહીં આવવાનું વિચારતી હતી પરંતુ છેક આજે આવવાનો મોકો મળ્યો છે માતાજીનું ઘણું સાંભળ્યું છે તે માટે અમે અહીં આવ્યા છીએ અને મનમાં એક મનોકામના છે આશા છે કે તે પૂરી થશે. આમ સ્થાનિકો પોતાની સમસ્યા અને દુવિધાઓ લઈને અહી આવતા હોય છે અને તેઓ કહે છે કે તેમની મનોકામના પૂરી પણ થાય છે.
સ્થાનિકોના પ્રશ્નો
કેમેરામાં મોઢું ન બતાવવાની શરતે કેટલાક સ્થાનિકોએ જણાવ્યું કે આવડું મોટું મંદિર છે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ હસ્તક આવે છે તો પણ સરકાર દ્વારા કોઈ વિકાસ અહીં કરવામાં આવતો નથી રોડ રસ્તાઓ પણ તૂટેલા અને સાંકડા છે તેથી દર્શને આવતા લોકોને પણ હાલાકી ભોગવી પડે છે આશા છે કે સરકાર જેવો વિકાસ બીજે બધે કરે છે તેવો અહી પણ થાય.
મહાકાળી વડ કેવી રીતે પહોંચવું?
- પાસેનું એરપોર્ટ - સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ
- પાસેનું રેલવે સ્ટેશન - ગાંધીનગર
- પાસેનું બસ સ્ટેશન - ચિલોડા