જૂનાગઢઃ ભવનાથની ગીરી તળેટીમાં મહા શિવરાત્રીના 5 દિવસના મેળાની શુભ શરૂઆત થઈ છે. 5 દિવસ દરમિયાન ગિરનારની ગીરી તળેટી 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગગનભેદી નાદ સાથે સતત ગુંજતી પણ જોવા મળશે. મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિર પર સનાતન ધર્મની ધ્વજારોહણ થયા બાદ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે. મહા વદ તેરસના દિવસે મહા શિવરાત્રીના પર્વે મધ્યરાત્રીએ નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરીને મહા શિવરાત્રીના મેળાની પુર્ણાહુતિ કરતા હોય છે.
મૃગીકુંડ સ્નાનનું અનેરુ મહત્વઃ મહા શિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા આસ્થાની ડૂબકી લગાવવામાં આવતી હોય છે. સનાતન ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર મૃગીકુંડમાં મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ સ્વયંમ આકાર, સાકાર કે નિરાકારરૂપે આસ્થાની ડૂબકી લગાવતા હોય છે. જે કોઈ પણ સ્વરૂપે શિવરાત્રીના દિવસે નાગા સન્યાસીઓની નીકળતી રવેડીમાં સામેલ થાય છે અને મૃગીકુંડમાં ડૂબકી લગાવવાની સાથે જ અહીંથી તે સીધા પાતાળ લોકમાં પ્રવેશ કરે છે. આવી ધાર્મિક માન્યતા અને મહત્વ મૃગીકુંડ સાથે આદી અનાદિ કાળથી જોડાયેલ છે.
ભારતનો એકમાત્ર મેળોઃ સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર જૂનાગઢ ખાતે આ પ્રકારનો ભવ્ય મહા શિવરાત્રિ મેળો આયોજીત થાય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશના ભાવિ ભક્તો પણ અલખને ઓટલે શિવ સ્વરૂપા સંન્યાસીઓના દર્શન કરવા માટે પણ આવતા હોય છે. આ પ્રકારે મહા શિવરાત્રીનું આયોજન પણ જૂનાગઢમાં થાય છે તે પ્રકારે ભારતના અન્ય પ્રાંતમાં ક્યારેય થતું નથી જેને કારણે પણ મહાશિવરાત્રીનો મેળો વિશેષ બને છે.
સનાતન ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર મૃગીકુંડમાં મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ સ્વયંમ આકાર, સાકાર કે નિરાકારરૂપે આસ્થાની ડૂબકી લગાવતા હોય છે. જે કોઈ પણ સ્વરૂપે શિવરાત્રીના દિવસે નાગા સન્યાસીઓની નીકળતી રવેડીમાં સામેલ થાય છે અને મૃગીકુંડમાં ડૂબકી લગાવવાની સાથે જ અહીંથી તે સીધા પાતાળ લોકમાં પ્રવેશ કરે છે...હરીગીરી મહારાજ(મહા મંડલેશ્વર, જૂના અખાડા, જૂનાગઢ)