ભાવનગર: જિલ્લાના માઢિયાથી વલભીપુર વચ્ચેનો રાજ્ય સરકાર હસ્તકનો માર્ગ છેલ્લા બે ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. તાલુકા સદસ્ય દ્વારા લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે આ માર્ગ પરના ગામડાઓને બાઇક ચલાવવું પણ મુશ્કેલ છે. પરંતુ નવાઈની વાત એ છે કે નાનકડો એવો રસ્તો રોડ અને માર્ગ મકાનને સોંપી દેવામાં આવ્યો છે. જાણો રસ્તો સરખો થશે કે નહીં ?
રોડ વિભાગને લેખિતમાં અરજી: ભાવનગર તાલુકાનો અમદાવાદ ધોલેરા હાઇવે ઉપર આવેલા માઢીયા ગામથી વલભીપુર તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં છે. પરિસ્થિતિ એવી છે કે ગાડી કે બાઇક લઈને નીકળવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ભાવનગર તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેન કાંબડે લેખિતમાં રોડ વિભાગને અરજી કરી છે કે માઢીયાથી લઈને આણંદપર સુધીનો ભાવનગર તાલુકામાં આવતો રાજ્ય સરકાર હસ્તકનો રસ્તો અંદાજે 10 થી 12 કિલોમીટરનો માર્ગ અતિજર્જરીત હાલતમાં છે તો સત્વરે તેનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે.
તાલુકા પંચાયતનો રસ્તો રાજય હસ્તક જતો રહ્યો: ભાવનગર તાલુકાનો માઢીયાથી લઈને વલભીપુર સુધીનો 21 કિલોમીટરનો માર્ગ બે બે તાલુકા પંચાયત હસ્તક વહેચાયેલો હતો. ભાવનગર તાલુકા પંચાયત પાસેનો રસ્તો બાદમાં જિલ્લા પંચાયતના રોડ વિભાગ પાસે ગયો અને ત્યાંથી હસ્તાંતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. હવે આશરે 12 કિલોમીટરનો માઢીયાથી આણંદપર સુધીનો માર્ગ સીધો હવે રાજ્ય સરકાર પાસે પહોંચી ગયો છે જેને પગલે આ રસ્તાનું રીપેરીંગ કામ અથવા તો નવીનીકરણ રોડ અને માર્ગ મકાન વિભાગના હસ્તે કરવાનું રહે છે.
બે વર્ષથી તૂટેલા રસ્તાને પગલે તંત્રનો જવાબ: માઢીયાથી આણંદપરનો મુખ્ય માર્ગ ભાવનગર તાલુકા હસ્તકનો હોય જ્યારે આણંદપરથી વલભીપુર સુધીનો માર્ગ વલભીપુર તાલુકા હસ્તકનો છે. ત્યારે બે ભાગમાં વહેંચાયેલા રસ્તામાં વલભીપુરથી આણંદપર સુધીનો માર્ગ નવો કરવામાં આવ્યો છે. પરંતુ આણંદપરથી લઈને માઢીયા સુધીનો મુખ્ય માર્ગ ભાવનગર તાલુકા પંચાયત હસ્તકનો હતો જે હવે સીધો રાજ્ય સરકારના રોડ અને માર્ગ મકાન વિભાગ પાસે પહોંચી ગયો છે. જેને પગલે ભાવનગરના રોડ અને માર્ગ મકાન વિભાગના અધિકારી આર યુ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા આ માર્ગને રોડ અને માર્ગ મકાન વિભાગને 2022 માં આપવામાં આવ્યો હતો. જો કે રસ્તાને પગલે મળેલી અરજીને આધારે હાલમાં પેચ વર્ક શરૂ કરવામાં આવનાર છે. જો કે રાજ્ય સરકારમાં રસ્તો આવતો હોવાને પગલે સરકાર દ્વારા 5.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ માર્ગનું કામ શરૂ થશે.