રાજકોટ: જિલ્લાના મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે જમીનમાં કમિશન અપાવવાના બહાને 3 કરોડથી વધુની ઠગાઈ કર્યાના બનાવમાં પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો હતો. એમાં પોલીસે અત્યાર સુધી 3 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ભૂગર્ભમાં રહેલા ચારેય સ્વામી વિદેશ નાસી ન જાય એ માટે પોલીસે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે.
ઠગ ટોળકીએ 3.04 કરોડની ઠગાઇ કરી: બનાવની મળતી વિગત મુજબ રાજકોટના મવડીના નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસેના મેઘાણી રંગભુવનમાં ઓફિસ ધરાવતા જસ્મિન માઢક અને જય મોલિયા નામના એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે ધોરાજીના ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી. સ્વામી, જૂનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, અંકલેશ્વર પાનોલીના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરતના સુરેશ ધોરી, ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતની ટોળકી દ્વારા લિંબ ગામે પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રૂ.3.04 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ જસ્મિન માઢકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
ટોળકીના 2 આરોપીઓની ગોવાથી ધરપકડ: ઠગાઇ અંગે વધુ તપાસ રાજકોટની આર્થિક ગુના નિવારણ શાખાના પી.આઇ જે.એમ. કૈલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યું છે. જેમાં સ્વામી સહિતની ટોળકી દ્વારા રાજકોટ સહિત ગુજરાતનાં 7 શહેરમાં 15 કરોડની ઠગાઈ આચર્યાના 8 ગુના નોંધાયા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ દરમિયાન સુરત સરથાણા પોલીસે આ ઠગ ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષક લાલજી ઢોલાને ઝડપી પાડ્યો હતો, જેનો રાજકોટ પોલીસે કબજો આપ્યો હતો. રાજકોટ પોલીસે જ્યારે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ગોવા હોવાની માહિતી મળતાં ગોવાથી અમદાવાદની ફ્લાઈટ પર બેસી ફરાર થાય એ પૂર્વે બન્ને આરોપીઓની ધરપકડ કરી રાજકોટ લાવ્યા હતા.
આ ઠગ ટોળકી સામે 8 ફરિયાદ: તપાસ દરમિયાન આ ટોળકી સામે અલગ અલગ 8 જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવતાં આરોપીઓ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની શંકાના આધારે પોલીસે જેમાં માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફ જે.કે.સ્વામી, દેવપ્રકાશસ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી અને વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી વિરુદ્ધ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે. જ્યારે આ ગુનામાં સુરત પોલીસે એક અને રાજકોટ પોલીસે 2 આરોપીઓને પકડ્યા છે. જ્યારે સ્વામી સહિત 5 આરોપી હજુ ફરાર છે, જેને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે ETV ભારતના પ્રતિનિધિએ જયારે પોલીસ પાસેથી લુક આઉટ નોટિસ માગી હતી તો સંબંધિત અધિકારીએ તે આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો: