વલસાડઃ ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખાસ વિડીયો મેસેજ મોકલીને વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલની જીત માટે જનતા જનાર્દન પાસે આશીર્વાદ માંગ્યા છે. ધવલ પટેલને પોતાનો નાનો ભાઈ ગણાવી સ્મૃતિ ઈરાનીએ પ્રચાર કરવા રુબરુ ન આવી શકવાનો ખેદ વ્યક્ત કર્યો. તેમજ વિડીયોમાં ધવલ પટેલને જીતાડવા અપીલ કરી છે. અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચારસભામાં જીતાડવાની અપીલ કરી ચૂક્યા છે.
ધવલ પટેલ માટે દિગ્ગજોનો પ્રચારઃ આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદારોને રીઝવવા માટે દરેક રાજકીય પક્ષોએ પોતાની શક્તિ પ્રમાણે પ્રચાર-પ્રસાર કર્યો છે. તાજેતરમાં વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ માટે ગૃહપ્રધાન અમિત શાહે વાંસદા ખાતે ભવ્ય વિજય સંકલ્પ સભા યોજી હતી. જેમાં અમિત શાહે ધવલ પટેલને જંગી લીડથી જીતાડવા ઉપસ્થિત સૌ કોઈ મતદારોને અપીલ કરી હતી. હવે વધુ એક કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ ધવલ પટેલના સમર્થનમાં મતદાનની અપીલ કરી છે. સ્મૃતિ ઈરાનીએ ખાસ વિડીયોમાં ધવલ પટેલને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો અને પ્રચાર કરવા રુબરુ ન આવી શકવાનો ખેદ વ્યક્ત કર્યો.
ધવલ માત્ર ભાજપનો કાર્યકર્તા નથી મારો નાનો ભાઈ પણ છે. ઘણા લાંબા સમયથી ધવલને કામ કરતા જોયો છે. ભણેલ-ગણેલ છે ચોપડીઓ લખે છે. સંગઠનને સશક્ત કર્યુ છે તેથી હું આપને વિનંતી કરું છું કે તમે ધવલને આશીર્વાદ આપો. મારે રુબરુ આપ સૌને મળવા આવવું હતું પરંતુ હું અમેઠીમાં વ્યસ્ત હોવાથી આવી શકી નહીં...સ્મૃતિ ઈરાની(કેન્દ્રીય પ્રધાન)