સુરતઃ આ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં તેઓની સહી નહીં હોવાની એફિડેવિટ કરી હતી. ત્યારબાદ મોટો રાજકીય ડ્રામા સર્જાયો અને આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. આ ઉપરાંત અપક્ષ સહીત અન્ય પાર્ટીના 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ વિજેતા જાહેર થયા હતા.
કોંગ્રેસ લાલઘુમઃ નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પાછળ ખુદ કુંભાણી અને ભાજપે ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસે સુરત લોકસભા બેઠકના ઘટનાક્રમ બદલ નિલેશ કુંભાણીને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીની આગેવાની હેઠળ સુરત ખાતે આ કાર્યવાહી કરવામાં આવશે.સુરતમાં કોંગ્રસના કાર્યકર્તાઓ દ્વારા કુંભાણીના નિવાસે તેમજ રેલવે સ્ટેશન ખાતે બેનરો લગાડીને વિરોધ પણ કરાયો છે. હવે કોંગ્રેસ નિલેશ કુંભાણી વિરુદ્ધ આગામી દિવસોમાં લીગલ પ્રક્રિયા માટે મક્કમ છે.
45 દિવસનો સમયઃ કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન અજય ગોંડલીયાએ જણાવ્યું હતું કે, ગતરોજ પ્રદેશ કાર્યાલય પર બધા જ સીનિયર વકીલો અને નેતાઓ સાથે મીટિંગ થઇ હતી જેમાં નિર્ણય લેવાયો છે કે ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી કરીશું. 45 દિવસનો સમય છે પરંતુ જેમ બને તેમ જલ્દી કુંભાણી વિરુદ્ધ પગલા લેવાશે. આ બબાતે પિટિશનો પણ ફાઈલ થશે. પિટિશન બાબતના મુદાઓ બાબતે અમે હાલમાં જણાવી શકીએ નહિ પરંતુ નિલેશ કુંભાણી વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે.