સુરત: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રચાર અને પ્રસારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે પણ સભાઓમાં હાજરી આપી અને મંદિરોમાં જઈને પ્રચાર શરૂ કર્યો છે. મુકેશ દલાલ એ કાર્યકર્તા છે જેમને ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશના સ્થાને ઉમેદવાર બનાવ્યા છે. પોતાને કટ્ટર કૉંગ્રેસ વિરોધી ગણાવતા મુકેશ દલાલે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, તેઓ કેવી રીતે લોકો સુધી પહોંચશે, કયા મુદ્દા પર ચૂંટણી જીતશે. તેમણે જણાવ્યું કે, સુરત લોકસભા બેઠક પરથી કૉંગ્રેસની ડિપોઝિટ ડૂલ થશે અને તેઓ સાડા છ લાખની લીડથી જીતશે.
પ્રાથમિક પરિચયઃ સુરત શહેરમાં છેલ્લા 43 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને 5 વખત કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ડબલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. છેલ્લા 3.5 વર્ષથી તેઓ સુરત મહાનગર પાલિકા ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે. પાર્ટીએ દર્શના જરદોશના સ્થાને હિસાબ-કિતાબના જાણકાર મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલે શહેરના મંદિરોની મુલાકાત લઈ અને દરેક સમાજ સાથે બેઠકો કરીને તેમના પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે.
પીએમ મોદીએ દેશને ગૌરવ અપાવ્યુંઃ ETV Bharat સાથે ખાસ વાતચીતમાં મુકેશ દલાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યોથી જનતા ખૂબ જ પ્રભાવિત છે. તેમના કાર્યોને કારણે લોકોને માત્ર દેશમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણો ફાયદો થયો છે. તેમણે દેશને ગૌરવ અપાવ્યું છે. હું પહેલેથી જ કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધીનો કટ્ટર વિરોધી રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પણ કાર્યો કર્યા છે તેને લઈ અમે લોકો સુધી જઈશું.
વાહનવ્યવહારમાં અનેક વિકાસકાર્યોઃ સુરતના વાહનવ્યવહાર અંગેના પ્રશ્નના જવાબમાં મુકેશ દલાલે જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે અનેક કામો કરવામાં આવ્યા છે. ધીમે ધીમે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે. હવેથી જે પણ જવાબદારી રહેશે અને જે પણ કાર્ય કરવાનું રહેશે એ હું કરીશ. ટ્રેન કનેક્ટિવિટી સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે પર પ્રાંતિયો માટે પણ ખૂબ જ પ્રમાણમાં ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં પણ ઘસારો રહે છે. આ ચેલેન્જને પૂરી પાડવા માટે આવનાર વર્ષોમાં નવી ટ્રેનો અથવા તો કોચિસ વધારવા માટે અમે યોજના બનાવીશું.
મંદી અને તેજી અર્થશાસ્ત્રની સાયકલઃ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી છે. મંદી અને તેજીએ અર્થશાસ્ત્રની સાયકલ છે. સૌરાષ્ટ્રવાસી હોય કે સુરતના લોકો હોય તમામ માટે અમારી પાસે એક જ મુદ્દો છે અને તે એટલે વિકાસ. અમે સુરત લોકસભા વિસ્તારમાં આ મુદ્દા પર ચૂંટણી લડીશું.
કૉંગ્રેસ અસ્તિત્વ ગુમાવશેઃ મુકેશ દલાલે આ ખાસ વાતચીતમાં કૉંગ્રેસ અને તેના ભવિષ્ય વિશે પણ અનુમાન લગાડ્યું હતું. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ આ સંપ્રદાયિક પાર્ટી છે. માત્ર ને માત્ર કેટલાક સમાજ માટે તૃષ્ટિકરણ કરે છે. કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી. તે પક્ષ નકારાત્મક છે. 2029 સુધી કૉંગ્રેસનું અસ્તિત્વ રહેશે નહીં. અત્યારે કૉંગ્રેસ પાસે ભલે 52 સીટ હોય પરંતુ હું તમને લખીને આપું છું કે આ સીટ પણ એમની પાસે રહેશે નહીં. કૉંગ્રેસ 40 સીટની નીચે આવી જશે. પરિવારવાદને દેશની પ્રજા જકારો આપશે. હું નહેરુ પરિવારનો કટ્ટર વિરોધી રહ્યો છું અને મૃત્યુ પર્યત વિરોધી રહીશ.