પોરબંદરઃ ભાજપે લોકસભા ચૂંટણી જંગની શરુઆત ઉમેદવારોના નામ જાહેર કરીને કરી છે. પ્રથમ તબક્કામાં 195 જેટલા ઉમેદવારોને ભાજપે જાહેર કર્યા છે જેમાં ગુજરાતની 15 લોકસભા બેઠકની સાથે મહત્વની પોરબંદર લોકસભા બેઠક પરથી વર્તમાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ મહત્વની મનાતી પોરબંદર લોકસભા બેઠક પાછલી 3 ચૂંટણીઓથી ભાજપના કબજા છે. આ વખતે ભાજપે કેન્દ્રીય પ્રધાન મનસુખ માડવિયાને પોરબંદર બેઠક પરથી ઉમેદવાર બનાવીને આ બેઠકને રાષ્ટ્રીય રીતે પણ મહત્વની બેઠક બનાવી છે.
વ્યૂહાત્મક રીતે મહત્વની બેઠકઃ કોઈ પણ રાજકીય પક્ષ માટે પોરબંદર લોકસભા બેઠક વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પોરબંદર લોકસભા બેઠક પર સૌથી વધારે કોંગ્રેસના ઉમેદવારો સાંસદ બનવામાં સફળ રહ્યા છે. જેને કારણે પણ આ બેઠક વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વની બને છે. સાથે સાથે જ્ઞાતિ અને જાતિના સમીકરણોને સાધવા માટે પણ પોરબંદર બેઠક કોઈ પણ રાજકીય પક્ષો માટે મહત્વની બની રહેશે. પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદરની સાથે જૂનાગઢ, રાજકોટ અને અમરેલી વિધાનસભાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. જેને કારણે પણ પોરબંદર લોકસભા બેઠક ગુજરાતની એકમાત્ર એવી બેઠક હશે કે જેના મતદારો 4 જિલ્લામાં ફેલાયેલા હશે.
કોંગ્રેસના કડવા પટેલ ઉમેદવાર બેઠકને બનાવશે રોમાંચકઃ પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. જે લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે જો કોંગ્રેસ પોરબંદર લોકસભા બેઠક પરથી કડવા પાટીદાર સમાજના ઉમેદવારને જાહેર કરે તો પોરબંદર લોકસભા બેઠક પર ચૂંટણી જંગ વધુ રોમાંચક બની શકે છે. પાટીદાર બહુલિક મતદારો ધરાવતી પોરબંદર બેઠક પર ઓબીસી, દલિત અને લઘુમતી સમાજના મતદારો પણ મહત્વના છે. જો ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ સમીકરણમાં અન્ય જ્ઞાતિના મતદારો ફીટ બેસે તો પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની શકે છે.
પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. જે લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે જો કોંગ્રેસ પોરબંદર લોકસભા બેઠક પરથી કડવા પાટીદાર સમાજના ઉમેદવારને જાહેર કરે તો પોરબંદર લોકસભા બેઠક પર ચૂંટણી જંગ વધુ રોમાંચક બની શકે છે...ધીરુ પુરોહિત(વરિષ્ઠ પત્રકાર)