પાટણઃ પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે વિશાળ જન આશીર્વાદ રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. ત્યારબાદ પ્રગતિ મેદાન ખાતે આયોજિત જન આશીર્વાદ સંમેલનમાં પહોંચ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો એ ભાજપ સરકાર વિરુદ્ધ આકરા વાકપ્રહારો કરી ચંદનજી ઠાકોરને જંગી મતોથી જીતાડવા અનુરોધ કર્યો હતો.
શક્તિસિંહ ગોહિલના વાકપ્રહારઃ પાટણના પ્રગતિ મેદાન ખાતે ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલ વિશાળ જન આશીર્વાદ સંમેલનને સંબોધતા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપના અહંકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનતા મહાન છે. સત્તા મળે તો લોકોના આશીર્વાદ લેવાના હોય. 26 એ 26 બેઠકો 5 લાખ મતોની લીડથી જીતશું એ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર બોલે છે. ઈલેક્ટોરલ બોન્ડએ ભાજપની હપ્તાખોરીનું મોટું કોભાંડ છે. સુપ્રીમ કોર્ટે આ કૌભાંડ જાહેર કરાવી કાળા ધનનો પરદાફાશ કરાવ્યો છે. ભાજપે ઈલેકટોરલ બોન્ડના નામે 82 અબજ રુપિયા ભેગા કર્યા છે. જ્યારે કોંગ્રેસને ચૂંટણી લડતાં અટકાવવા 11 એકાઉન્ટ સીઝ કર્યા છે, પરંતુ કોંગ્રેસ જનતાના આશીર્વાદ અને પ્રેમથી આ ચૂંટણી જીતશે.
કોંગ્રેસને જનતાનો સાથઃ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રજા તરફથી સાથ અને સમર્થન મળી રહ્યું છે. એક બાજુ કોંગ્રેસનો સકારાત્મક એજન્ડા છે. કોંગ્રેસે ચૂંટણી સમયે ભૂતકાળમાં આપેલા વચન નો પૂર્ણ કર્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન ઇન્ફોર્મેશન ફૂડ સિક્યુરિટી બિલ જેવા કાયદાઓ બનાવવાનું ચૂંટણી પહેલા કીધું હતું તે કરીને બતાવ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો હતો પરંતુ એ વિશ્વાસમાં ભાજપ ઉણી ઉતરી છે. કાળું નાણું પરત લાવવાની વાત હોય કે પછી દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ આપવાની વાત હોય તે હજી સુધી પુરી થઈ નથી. જમ્મુ કાશ્મીરમાં 3950 જવાનો શહીદ થયા છે છતાં ભાજપ જુઠાણું ચલાવી કહે છે કે અમે આતંકવાદને મીટાવ્યો છે. લોકોના અનેક પ્રશ્નો છે. કોંગ્રેસની સત્તા બનશે તો તેના ચૂંટણી ઢંઢેરામા આપેલા વચનો પૂર્ણ કરશે.
પાઘડીની લાજ ન જવા દેવા અપીલઃ જન આશીર્વાદ સંમેલનમાં પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે જાહેર સભામાં પોતાની પાઘડી ઉતારીને પાઘડીની લાજ જવા ન દેતા તેમ કહી મત માંગ્યા હતા. વધુમાં તેઓ જણાવ્યું હતું કે, મને સાંસદ તરીકે ચૂંટીને મોકલો છો તો તમારે કામ માટે મને શોધતા આવવું નહીં પડે લોકસભાની સાથે 7 વિધાનસભા બેઠકોના મુખ્ય મથકે મારું કાર્યાલય ખોલીશ અને ત્યાંથી જ તમારું કામ થઈ જાય તે રીતનું આયોજન કરવામાં આવશે. સાંસદ તરીકે મને છે પગાર મળશે તે લોકસભા મતવિસ્તારના ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે સહાય તરીકે આપીશ.